ભાવનગર જિલ્લામાં દરરોજ સરેરાશ એચઆઈવીના 25 નવા દર્દીઓ નોંધાય છે

- આજે વિશ્વ એઈડ્ઝ દિવસ : જિલ્લામાં કુલ 4046 એચઆઈવી દર્દી
- જિલ્લામાં એચઆઈવી એઈડ્ઝના 177 નવા દર્દીઓ નોંધાયા છે, જિલ્લામાં 13 કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ સેન્ટરો કાર્યરત
એઈડ્ઝના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા, વિક્ષેપને દુર કરીએની થીમ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આવતીકાલે વર્લ્ડ એઈડ્ઝ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લામાં એચઆઈવી એઈડ્ઝના દર મહિને સરેરાશ ૨૫ નવા દર્દીઓ નોંધાય છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ ૪૦૪૬ એચઆઈવી પોઝિટિવ દર્દીઓ છે. જેઓની સારવાર ચાલી રહી છે. ચાલુ વર્ષે ઓક્ટોબર-૨૦૨૫ની સ્થિતિએ જિલ્લામાં ૭ સગર્ભા મહિલા સહિત કુલ ૧૭૭ એચઆઈવી એઈડ્ઝના નવા દર્દીઓ નોંધાયા છે. ૧૦ તાલુકાના સીએચસી સેન્ટરો, પાલિતાણા અને મહુવાની સરકારી હોસ્પિટલ તથા સર ટી. હોસ્પિટલમાં મળી જિલ્લામાં કુલ ૧૩ આઈસીટીસી સેન્ટરો કાર્યરત છે કે જ્યાં એચઆઈવી કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ થાય છે. બ્લડ ઈન્વેસ્ટીગેશન, કાઉન્સેલિંગ અને એઈડ્ઝના દર્દીઓને દવાઓ પુરી પાડવા માટે સર ટી.હોસ્પિટલ અને મહુવા જનરલ હોસ્પિટલમાં એઆરટી સેન્ટર કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા એચઆઈવી એઈડ્ઝ અંગે યુવાનોમાં અવેરનેસ આવે તે માટે ૧૮ કોલેજોમાં રેડ રિબિન ક્લબ કાર્યરત છે. ઉપરાંત આવતીકાલે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ગંગાજળિયા તળાવ ખાતે એચઆઈવી એઈડ્ઝ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
હાઈરિસ બિહેવિયર એરિયામાં ટીઆઈ પ્રોજેક્ટ કાર્યરત
એચઆઈવી એઈડ્ઝ ફેલાતા હાઈરિશ બિહેવિયરવાળા વિસ્તારો માટે શહેરમાં ૨, અલંગમાં ૨ અને પાલિતાણા-મહુવામાં ૧-૧ ટાર્ગેટેડઈન્ટરવેશન પ્રોજેક્ટ કાર્યરત છે. જે હાઈરિશન બિહેવિયર ધરાવતા લોકોનું સાથે કામ કરી તેમનું કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવે છે. ઉપરાંત જિલ્લાના ૭૫ હાઈરિશ બિહેવિયર ધરાવતા ગામોમાં લિંક વર્કર સ્કિમ અંતર્ગત અવેરનેસની કામગીરી કરવામાં આવે છે.

