Get The App

મોરાસામાં સિંહ પર ડોઝર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયાનો ઘટસ્ફોટ

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
મોરાસામાં સિંહ પર ડોઝર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયાનો ઘટસ્ફોટ 1 - image


સુત્રાપાડા વિસ્તારની સિમેન્ટ ફેક્ટરીનું ડોઝર હોવાનું ખુલ્યું

એક વર્ષ પહેલાંની ઘટનાનો 20 દિવસ પહેલાં વીડિયો વાયરલ થતાં તેમાં દેખાતા વૃક્ષ પરથી પગેરૂં દાબી વન વિભાગે ઘટના સ્થળ શોધ્યું

જૂનાગઢ: સુત્રાપાડા તાલુકાના મોરાસાની સીમમાં એકાદ વર્ષ પહેલા સિંહ પર ડોઝર ચડાવી તેની હત્યાના પ્રયાસની ઘટના બની હતી. આ અંગેનો વીડિયો ર૦ દિવસ પહેલાં વાયરલ થતાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સામે આવ્યું કે, સિધ્ધી સિમેન્ટના ડોઝર મશીનના ડ્રાઈવર દ્વારા મોરાસાની સીમમાં આવેલ ખાણ પર જવાના રસ્તા પર આ કૃત્ય કરવામાં આવ્યું હતું. હાલ ડ્રાઈવર સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સિંહોની પજવણી ન થાય તે માટે પેટ્રોલિંગ કરવામાં આવતું હોવાના દાવાઓ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઠેકઠેકાણે સિંહોની પજવણીની ઘટના અવાર- નવાર સામે આવે છે. ગત તા.૧-પ-ર૦રપના એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ધૂળ ભરવાનું ડોઝર મશીન સિંહ પર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતી હતી. તેવામાં સામે આવ્યું કે, સુત્રાપાડા તાલુકાના મોરાસાની સીમમાં સિધ્ધી સિમેન્ટની માઈન્સ છે ત્યાં જવાના રસ્તા પર આ ઘટના બની હતી.

વન વિભાગ દ્વારા સિધ્ધી સિમેન્ટના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવતા તેઓએ વન વિભાગને જણાવ્યું કે, અમે ડોઝર ચલાવવા માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રાઈવર પુરા પાડવામાં આવે છે. જ્યારે ઘટના બની ત્યારે પાધરૂકા ગામનો વિજય લખમણભાઈ જખૌત્રા નામના શખ્સે આ કૃત્ય કર્યું હોવાનો સિધ્ધી સિમેન્ટના અધિકારીઓએ વન વિભાગને જણાવ્યું હતું. વન વિભાગ દ્વારા સિંહની હત્યાની પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવતા ડ્રાઈવર વિજય ફરાર થઈ ગયો છે. આ સમગ્ર મામલે જૂનાગઢ ડીસીએફ અક્ષય જોષીના માર્ગદર્શનમાં આરએફઓ કે.ડી. પંપાણીયા દ્વારા તપાસ કરવામાં આવતી હતી. આરએફઓએ જણાવ્યું છે કે, વિડીયોમાં જે વૃક્ષ જોવા મળે છે તેના પરથી સમગ્ર ઘટનાનું પગેરૂ મળ્યું છે. વિડીયો અને ઘટના સ્થળની ખરાઈ કરવામાં આવતા સ્પષ્ટ થઈ ગયું હતું કે આ વિસ્તારમાં જ સિંહની ડોઝર ચડાવી દઈ હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ડ્રાઈવરની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા હતા તે ડ્રાઈવર પકડાયા બાદ સામે આવશે. હાલ ડ્રાઈવરને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

Tags :