એમપી થી બાઇક પર ચોકસીઓને લૂંટવા આવતો ઈરાની ગેંગનો સાગરીત પકડાયો
વડોદરાઃ વડોદરા સહિત રાજ્યના જુદાજુદા શહેરોમાં ખાસ કરીને જ્વેલર્સ શો રૃમમાંથી દાગીના ચોરવા માટે એમપી થી બાઇક પર આવતા ઇરાની ગેંગના સાગરીતને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
શહેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઠેકરનાથ સ્મશાન પાસે પોલીસને જોઈ નંબર પ્લેટ વગરની બાઇકનો સવાર ભાગવા જતાં પોલીસે પીછો કરી તેને ઝડપી પાડયો હતો.પૂછપરછ દરમિયાન તેનું નામ બાદશાહઅલી અસગરઅલી સૈયદ (દેવઝીરી કોલોની ,સેંધવા, મધ્યપ્રદેશ) હોવાનું ખૂલ્યું હતું.
પોલીસે તેની પાસેથી મોટરસાયકલ, મોબાઇલ અને રોકડા રૃ.૧૫ હજાર કબજે કર્યા હતા.તપાસ દરમિયાન આરોપીએ પોણા બે મહિના પહેલાં ખોડીયાર નગર વિસ્તારના એક જ્વેલર્સ શો રૃમમાં ગ્રાહક તરીકે જઇ સોનાની ૧૧ તોલાથી વધુ વજનની ત્રણ ઢાળકી(ગીની) ઉઠાવી હોવાની વિગતો બહાર આવી હતી.
મધ્યપ્રદેશથી બાઇક પર ચોરી કરવા આવતા આરોપીએ ત્રણ મહિના પહેલાં દેવગઢ બારીયાના એક ચોકસીને ત્યાં પણ આવી જ રીતે સાગરીતો સાથે જઇ બુટ્ટીઓ ચોરી હોવાની અને પોણા બે વર્ષ પહેલાં કરજણ બજારના જ્વેલર્સને ત્યાં પણ સાગરીતો સાથે દાગીનાની ચોરી કરી હોવાની વિગતો બહાર આવી હતી.આ ઉપરાંત મહેસાણાના ગોઝરીયા ખાતે પેટ્રોલપંપ ઉપર થયેલી લૂંટમાં પણ તેની સંડોવણી ખૂલી હતી.ચોરેલા દાગીના મધ્ય પ્રદેશમાં વેચી દેતો હોવાની પણ તેણે કબૂલાત કરી હતી.