પોલો ગ્રાઉન્ડ નજીક મોડી રાત્રે ડામરના ટેન્કરમાં આગ લાગતા નાસભાગ મચી

વડોદરાના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ડામરના એક ટેન્કરમાં આગ લાગવાનો બનાવ બનતા અફરા તફરી સર્જાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પોલો ગ્રાઉન્ડ બગીખાના નજીક ગઈકાલે રાત્રે ડામરની એક ટેન્કર પાર્ક હતી ત્યારે એકાએક ધુમાડા નીકળવા માંડતા લોકોમાં દહેશત વ્યાપી હતી. થોડી જ વારમાં લબકારા મારતી આગે આખી ટેન્કરને ચપેટમાં લઈ લીધી હતી.
બનાવને પગલે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓમાં નાસભાગ મચી હતી. વડોદરા ફાયર બ્રિગેડ ને જાણ કરાતા થોડીવારમાં આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. પોલીસ પણ બનાવના સ્થળે આવી હતી અને કારણ જાણવા પ્રાથમિક તપાસ કરી હતી.