Get The App

અલગ મિજાજનાં મતદારોને રીઝવવા રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓની ફોજ

Updated: Jun 8th, 2025

GS TEAM

Google News
Google News
અલગ મિજાજનાં મતદારોને રીઝવવા રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓની ફોજ 1 - image

વિસાવદરની પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની

જૂનાગઢ: વિસાવદર બેઠક જીતવા માટે ભાજપે રાજ્યના અને રાષ્ટ્રીય નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે. ભાજપે આ બેઠકની ચૂંટણીને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધી છે. ફોર્મ ભરવામાં મુખ્યમંત્રી અને હવે પ્રચારમાં પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી, રાજ્યના કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો વિસાવદરના પંથકમાં ધામા નાખી મતદારોને રીઝવવા માટે મથામણ કરી રહ્યા છે. વિસાવદરના મતદારોની તાસીર અલગ છે જેથી ભાજપે તેને સુધારવા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે. સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં આટલો ગરમાવો હોતો નથી પરંતુ વિસાવદરની બેઠકે ગુજરાતથી લઈ દિલ્હીના નેતાઓની ઊંઘ હરામ કરી દીધી હોવાનું ચર્ચાય છે.

મહેણું ભાંગવા મતદારોને ભાજપના નેતાઓની અપીલ, ખેડૂતોની મુશ્કેલી સમયે વિસાવદર તરફ શા માટે જોતા નથી તેવો નારાજ મતદારોનો સવાલ

સમગ્ર ગુજરાતમાં વિસાવદરના મતદારોનો મિજાજ અલગ હોવાના અનેક કિસ્સાઓના દાખલા દેવાઈ રહ્યા છે. ભાજપ માટે વિસાવદરની બેઠક લોઢાના ચણા સમાન બની ગઈ છે. પાછલા પરિણામો જોઈ ભાજપે આ વખતે કોઈપણ ભોગે વિસાવદર બેઠક પર કબ્જો મેળવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો શરૂ કરી દીધા છે. વિસાવદર વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીનો માહોલ બનાવવા માટે ફોર્મ ભરવા માટે ખુદ મુખ્યમંત્રી તાબડતોબ વિસાવદર દોડી આવ્યા હતા, સભા સંબોધન કરી ઉમેદવારીપત્ર ભરવા સમયે રૂબરૂ હાજર રહ્યા હતા.

હાલ એક-એક ગામડે મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ અને સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લા અને મહાનગરના ભાજપના આગેવાનો દોડધામ કરી રહ્યા છે. વિસાવદર વિધાનસભા હેઠળની આઠ જિલ્લા પંચાયતની બેઠકો પર રાજ્ય કક્ષાના તથા કેબિનેટ મંત્રીને જવાબદારી સોંપી દીધી છે. આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા વિસાવદર વિધાનસભા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. આવતીકાલે સોમવારે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પ્રચાર અર્થે ભેસાણ આવી રહ્યા છે. ગામડે-ગામડે જઈ ભાજપના નેતાઓ તથા મંત્રીઓ મતદારોને સમજાવી રહ્યા છે કે, 'આ વખતે વિસાવદરના મતદારો વર્ષોનું મહેણું ભાંગી નાખો, આગામી સમયમાં વિકાસ કરવો હશે તો ભાજપ જ જોઈશે', પરંતુ આવી સમજાવટ બાદ પણ મતદારો પોતાનું મન કળાવા દેતા નથી. બીજી તરફ નારાજ મતદારો સવાલો પણ પૂછે છે કે, 'ખેડૂતોને પડતી મુશ્કેલી સમયે શા માટે  આટલા બધા નેતાઓ વિસાવદરની તરફ જોતા નથી.' આવા કારણે હજુ પણ આગામી સમયમાં ભાજપની વધુ ફોજ ઉતારવા માટેની તજવીજ ચાલી રહી છે.

ભાજપના પદાધિકારીઓ અને સંગઠન દોડતાં થયાં

વિસાવદરમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયા, ધારાસભ્ય જયેશ રાદડીયા, હિરાભાઈ સોલંકી, કૌશિક વેકરીયા, પ્રદ્યુમન વાજા, દેવા માલમ, અરવિંદ લાડાણી, ઉદય કાનગડ, ભગવાનજી કરગઠીયા સહિતના અનેક ધારાસભ્યો, સંસદ સભ્ય વિનોદ ચાવડા, રાજેશ ચુડાસમા તથા જૂનાગઢ મહાનગર, ગીર- સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાના સંગઠનના હોદ્દેદારો ચૂંટણીનો માહોલ બનાવવા માટે મથામણ કરી રહ્યા છે.