કોર્ટ કેસ પરત ખેંચાવવા શાકભાજી વિક્રેતા પર યુવક અને તેના કથિત પ્રેમીનો હુમલો
વિક્રેતાની યુવતી સાથે મિત્રતા હતી ત્યારે દોઢ વર્ષ પહેલા યુવતીને આપેલા રૂા. 11 લાખ પરત નહી આપતા વિક્રેતાએ કેસ કર્યો હતો
સુરત તા. 16 જુલાઇ 2020 ગુરૂવાર
પાલ ગૌરવ પથ વિસ્તારમાં રહેતા શાકભાજી વિક્રેતાને રૂા. 11 લાખની લેતીદેતીના વિવાદમાં ચાલી રહેલા કોર્ટ કેસ અંતર્ગત પરિચીત મહિલા અને તેના કથિત પ્રેમીએ કેસ પાછો ખેંચી લેવા ઝઘડો કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો અડાજણ પોલીસ મથકમાં પહોંચ્યો છે.
પાલ ગૌરવ પથ સ્થિત સનવ્યુ રો હાઉસના ઘર નં. 17માં રહેતા શાકભાજી વિક્રેતા યોગેશ જીવતરામ ફુલવાણી (ઉ.વ. 36) ને સિમરન રાકેશ ચૌટરાણી (રહે. બી/703 નક્ષત્ર એપાર્ટમેન્ટ, અડાજણ) નામની યુવતી સાથે મિત્રતા હતા અને એકબીજાને જરૂરિયાતના સમયે આર્થિક મદદરૂપ થતા હતા. દરમ્યાનમાં માર્ચ 2019માં સિમરનને પૈસાની જરૂર હોવાથી યોગેશે ટુકડે-ટુકડે રૂા. 11 લાખ આપ્યા હતા. જેની સામે સિમરને ચેક આપ્યા હતા પરંતુ આ ચેક યોગેશ બેંકમાં ડિપોઝીટ કરતા તે રિટર્ન થયા હતા. બીજી તરફ સિમરન પૈસા માટે વાયદા પર વાયદા કરતી હોવાથી યોગેશની માતા ઇન્દિરાબેન ફુલવાણીએ સિમરન વિરૂધ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો અને તેની મુદ્દત તા. 25 ઓગસ્ટ 2020 પડી હતી. આ અદાવતમાં સિમરન અને તેનો કથિત પ્રેમી ઇલ્યાસ વારંવાર યોગેશને કેસ પાછો ખેંચી લેવા ધમકી આપતા હતા. દરમ્યાનમાં ગત સાંજે 5 વાગ્યાના અરસામાં યોગેશને રહેણાંક સોસાયટીના ગેટ પાસે સિમરન અને તેના કથિત પ્રેમી ઇલ્યાસે અટકાવ્યો હતો. ઇલ્યાસે યોગેશને ધમકી આપતા કહ્યું હતું કે અમારા કહેવા છતા તું તારો કેસ કોર્ટમાંથી પાછો કેમ ખેંચતો નથી અને તું દાદો થઇ ગયો છે. એમ કહી માર માર્યો હતો. જેની જાણ થતા યોગેશની માતા અને ભાભી ઉપરાંત સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા. લોકોનું ટોળું એકઠું થઇ જતા સિમરન અને ઇલ્યાસે ધમકી આપી હતી કે આજે તો તુ બચી ગયો છે બીજી વાર મળશે તો તને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી બંન્ને ભાગી ગયા હતા. જેથી યોગેશે સિમરન અને ઇલ્યાસ વિરૂધ્ધ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.