જામનગરના હત્યા કેસના એક આરોપી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ ચોરાઉ વાહનો સાથે એલસીબીના હાથે ઝડપાયો

જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં સાઈબાબા ના મંદિર પાછળ સાંઈરામ સોસાયટીમાં રહેતા તેજશ શાંતિલાલ પંડ્યા, કે જેની સામે હત્યા સહિતના 11 જેટલા ગુના નોંધાયેલા છે અને પોતે હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહ્યો હતો, અને ત્યાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરીથી જેલમાં પહોંચ્યો ન હતો, અને નાસતો ફરતો રહ્યો હતો.
ઉપરોક્ત આરોપીની શોધખોળ ચલાવાઇ રહી હતી, દરમિયાન જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સમર્પણ સર્કલ પાસેથી પોલીસે તેજશ શાંતિલાલ પંડ્યા, અને તેના એક સાગરીત રાજુભાઈ ઉર્ફે રાજીયો બળેલો રામભાઈ કોડીયાતર ને પણ ઝડપી લીધો હતો, અને તેની પાસેથી ચોરાઉ મોટરસાયકલ મળી આવ્યું હતું.
પોલીસ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી, દરમિયાન તેણે પેરોલ જમ્પ કરીને ફરારી રહ્યા બાદ જામનગર શહેરમાંથી તેમજ મેઘપરમાંથી બે મોટરસાયકલની ચોરી કર્યા ની કબુલાત આપી છે. જે બંને મોટરસાયકલ એલસીબીની ટીમ દ્વારા કબજે કરી લેવામાં આવ્યા છે, અને બંને આરોપીઓની વધુ પુછપરછ ચલાવી રહી છે.
જેમાં આરોપી તેજશ સામે અગાઉ 11 ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે તેના સાગરીત રાજુ ઉર્ફે રાજીયા કોડીયાતર સામે પણ પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે.

