મહિલાના નામે એકાઉન્ટ ખોલાવી રૂ. 24.80લાખનું ટ્રાન્ઝેકશન કર્યું
બાબરામાં લોન અપાવવાના બહાને ડોકયુમેન્ટ મેળવી લોન મેળવવા માટે KYC આધારો, સહી કરેલા કોરા ચેક, ATM હસ્તગત કરી કૌભાંડ આચર્યું
અમરેલી, : બાબરાની મહિલાને લોન અપાવવાના બહાને ડોકયુમેન્ટસ મેળવી લઈ નવું બેન્ક એકાઉન્ટ ખોલાવી મહિલાની જાણ બહાર રૂ. 24.80 લાખના નાણાકીય વ્યવહારો એક શખ્સે કરતા આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
બાબરાની દ્વારકેશ સોસાયટીમાં રહેતા હીનાબેન આશીષભાઈ રોલેસીયા (ઉ.વ. 38)ને અઢી માસ પહેલાં રવિરાજસિંહ પરમાર નામના શખ્સે લોન અપાવવાની લાલચ આપી હતી. આ માટે હીનાબેનના જરૂરી દસ્તાવેજો, સહી કરેલા કોરા ચેક, આખી ચેક બુક, ATM કાર્ડ અને તેનો પાસવર્ડ મેળવી લીધા હતા. બાદમાં આરોપીએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની બાબરા શાખામાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યારબાદ આ એકાઉન્ટમાં અલગ અલગ સમયે કુલ રૂ. 24,80,000 જમા કરાવી દીધા હતા.
આ સમગ્ર પ્રક્રિયા હીનાબેનની જાણ બહાર કરવામાં આવી હતી. આટલું જ નહીં, આરોપીએ હીનાબેનની સહીવાળા ચેકનો ઉપયોગ કરી તેમાંથી પૈસા ઉપાડી લીધા હતા. આ છેતરપિંડી કરતા હીનાબેને બાબરા પોલીસમાં રવિરાજસિંહ પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા બાબરા પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.