અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ, ગ્રાહક તેને સ્કેન કરી અસલી-નકલીની કરી શકશે ઓળખ
AMUL QR Code : રાજ્યમાં ખાણી-પાણીની નકલી વસ્તુ ઝડપાતી હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે બનાવટી ઘી, દૂધ અને તેના ઉત્પાદનોને લઈને અમૂલ મિલ્ક ફેડરેશને આજે (22 સપ્ટેમ્બર) એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો. અમૂલે તેની તમામ ઉત્પાદનો પર QR કોડ લગાવાનો નિર્ણય કર્યો છે. ડુપ્લીકેટ પ્રોડક્ટ અટકાવવા માટે અમૂલ દ્વારા આ પ્રકારનો નિર્ણય કર્યો છે, જેથી સામાન્ય લોકો પણ QR કોડ થકી પ્રોડક્ટ લગતી માહિતી મેળવી શકે. આ મામલે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ માહિતી આપી હતી.
અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ
ગુજરાતમાં અમૂલ સહિતના ઉત્પાદનની ડુપ્લીકેટ ખાદ્યવસ્તુ ઝડપાતી હોવાના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે હવે અમૂલની પ્રોડક્ટનું ડુપ્લિકેશન અટકાવવા અમૂલની દૂધ, ઘી, માખણ સહિતની પ્રોડક્ટ ઉપર QR કોડ ફરજિયાત કરવામાં આવ્યો છે. આમ QR કોડ થકી ગ્રાહક જે-તે વસ્તુના ઉત્પાદન અંગે ખાતરી કરી શકે.
આ મામલે અમૂલ ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, 'બજારમાં ચાલતા ડુપ્લિકેશન અને ભેળસેળને અટકાવવા માટે આ પહેલ શરુ કરી છે. હાલ મોટાભાગના ઉત્પાદનો પર આ સુવિધા શરુ કરાઈ છે. જોકે, આગામી દિવસોમાં અન્ય બાકી તમામ પ્રોડક્ટ પર પણ QR કોડ લાગુ કરાશે. જેથી ગ્રાહકો છેતરપિંડીથી બચી શકે.'