Get The App

અમૂલ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો, દાણના ભાવમાં 50 પૈસાનો ઘટાડો: લાખો પશુપાલકોને થશે લાભ

Updated: May 27th, 2025

GS TEAM

Google News
Google News
અમૂલ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો, દાણના ભાવમાં 50 પૈસાનો ઘટાડો: લાખો પશુપાલકોને થશે લાભ 1 - image

Amul Milk Price News : આણંદની અમૂલ ડેરી દ્વારા તા. 1 જૂનથી દૂધની ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવશે. અમૂલ દાણના ભાવમાં પ્રતિ કિલોએ 50 પૈસાનો ઘટાડો કરાયો છે. તેમજ અમેરિકા બાદ હવે સ્પેનમાં પણ અમૂલ દૂધ લોન્ચ કરાશે. 

દાણના ભાવમાં પ્રતિ કિલોએ 50 પૈસાનો ઘટાડો કરાશે : 7 લાખથી વઘુ પશુપાલકોને ફાયદો થશે

અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોએ રૂ. 10નો વધારો કરાયો છે. તા. 1 જૂનથી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે દૂધના રૂ. 855ના બદલે 865 ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 7 લાખથી વઘુ પશુપાલકોને ફાયદો થશે.

દૂધના ઉત્પાદકોને 2024-25 માટે રૂા. 1,028 પ્રતિ કિલો ફેટ અંતિમ ભાવ ચૂકવવામાં આવ્યા છે. અમૂલ દાણના ભાવમાં પ્રતિ કિલોએ 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમૂલ દાણની 70 કિલોની બેગ દીઠ રૂ. ૩5 અને 50 કિલોની બેગ દીઠ રૂ. 25નો ઘટાડો કર્યો છે.

આ ઉપરાંત એપ્રિલ મહિનામાં પણ વરદાન દાણમાં બેગ દીઠ રૂ. 50, ન્યુટ્રી ગાર્ડ દાણમાં બેગ દીઠ 60, બફેલો દાણમાં બેગ દીઠ 100, ન્યુટ્રી પાવર દાણમાં બેગ દીઠ રૂ. 200નો પહેલાથી ઘટાડો કરવામાં આવ્યો છે.

અમૂલ ડેરીએ આસામ સરકાર પાસેથી લીઝ પર લીધેલી જમીન પર રૂ. 75થી 100 કરોડના મૂડી રોકાણ સાથે નવો ડેરી પ્લાન્ટ ટૂંકમાં સ્થપાશે. અમેરિકા બાદ  4 જૂને સ્પેનમાં જીસીએમએમએફ અને સ્થાનિક ડેરીના સહયોગથી અમૂલ દૂધ લોન્ચ કરાશે. બે બાયો સીએનજી પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન પણ કરાઈ રહ્યું છે. જેમાં ગાયના મૂત્ર અને ગોબરના ઉપયોગથી ગોબરગેસ ઉત્પન્ન કર્યા બાદ સ્લરીને ખાતર તરીકે ઉપયોગ કરાશે. અમૂલ ડેરી દ્વારા અત્યાર સુધીમાં દૂધ મંડળીઓમાં 994 સોલર સિસ્ટમ લગાડાઈ છે.