'અમૂલ દૂધ'માં લીટરે રૂ.2નો વધારો
- સામાન્ય લોકો પર અતિક્રમણ : ભાવવધારાના ચાબખા સહન થતા નથી !!
- અમૂલ દૂધના ભાવ વધારાની આવકના 80 ટકા રકમ પશુપાલકોને પરત પહોંચાડી દેવાશે
અમદાવાદ : પહેલી મેથી અમલમાં આવે તે રીતે અમૂલ દૂધની દરેક કેટેગરીના દૂધના ભાવમાં લિટરદીઠ રૃા.૨નો વધારો કરવામાં આવ્યો છે.
દૂધની મહત્તમ કિંમતની દ્રષ્ટિએ આ ભાવ વધારો ત્રણથી ચાર ટકાની આસપાસનો છે. ખાદ્યસામગ્રીના ફૂગાવાની દરની સરખામણીમાં દૂધના ભાવમાં કરવામાં આવેલો વધારે ત્રણથી ચાર ટકાનો છે. હજી ગઈકાલે જ મધર મિલ્ક ડેરીએ સમગ્ર દેશમાં દૂધના લિટરદીઠ ભાવમાં રૃા. ૨નો વધારો કર્યો છે. ગુજરાતમાં દરરોજ અંદાજે ૩૩૦ લાખ લિટર દૂધ એકત્રિત કરવામાં આવે ચે. ૧૮,૬૦૦ દૂધ સહકારી મંડળીને ૩૬ લાખ સભ્ય મારફતે દૂધ એકત્રિત કરવામાં આવે છે.
છેલ્લે જૂન ૨૦૨૪માં અમૂલના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
જોકે ગયા વરસે ૫ મહિના સુધી એક લિટર દૂધના પેકમાંમાં ૫૦ એમએલને બદલે અને બે લિટરના પેકમાં ૧૦૦ મિલિલિટર વધુ દૂધ આપ્યું હતું. તેમ જ જાન્યુઆરી ૨૦૨૫થી એક લિટર દૂધના પેકના ભાવમાં રૃા. ૧નો ઘટાડો પણ કર્યો હતો.
પશુપાલન સાથે સંકળાયેલા ગુજરાતના ૩૬ લાખ પશુપાલકોને કરવા પડતા ખર્ચમાં વધારો થયો હોવાથી દૂધના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. અમૂલ સાથે સંકળાયેલા બાર દૂધ સંઘોએ પણ તેનન સભાસદોને દૂધ ભરનારાઓને આપવામાં આવતા ભાવમાં વધારો કર્યો છે.
અમૂલને દૂધના વેચાણ થકી થતી આવકમાંથી ૮૦ ટકા નાણાં ખેડૂતો-પશુપાલકોને પરત આપે છે. દૂધના વેચાણની કિંમતમાં કરવામાં આવેલા વધારાનો મોટાભાગનો હિસ્સો દૂધ ઉત્પાદકોને જ પરત મળશે. પરિણામે દૂધનું ઉત્પાદન વધારવા તેમને પ્રોત્સાહન મળશે.