લેબર કોર્ટના આદેશ મુજબ કામદારોને રૂા. 1 કરોડ 40 લાખનો પગાર ચુકવવાના મુદ્દે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી; ટુંક સમયમાં હરરાજીનો નિર્દેશ : પગાર પ્રશ્ને કામદારોનાં આંદોલન દરમિયાન 3 કામદારોએ આત્મહત્યા કર્યા બાદ લેબર કોર્ટનાં આદેશ બાદ કાર્યવાહી
રાજકોટ, : અહીંના આજી વસાહત વિસ્તારમાં છેલ્લા 14 મહિનાથી કામદારોને પગાર નહીં ચૂકવતી અમુલ ઇન્ડસ્ટ્રીઝને આજે મજૂર અદાલતનાં આદેશનાં પગલે જિલ્લા વહીવટી તંત્રની સુચના અનુસાર પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરી દેવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી કામદારો દ્વારા પગાર સહિતનાં હક્ક-હિસ્સા ચુકવવા માટે કામદારોનું જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં ત્રણ કામદારોએ આત્મહત્યા કરી લીધી હોવા છતાં પગારનાં પ્રશ્ન નહીં ઉકેલાતા આજે રાજકોટનાં મામલતદાર દ્વારા અમુલ ઇન્ડસ્ટ્રીઝને સીલ મારી મિલ્કત જપ્ત કરવામાં આવી હતી. તેમજ ટુંક સમયમાં મિલ્કતની હરરાજી કરવામાં આવનાર હોવાનાં નિર્દેશ આપવામાં આવ્યા હતાં.
રાજકોટમાં આજી જીઆઈડીસી વિસ્તારમાં વર્ષોથી કાર્યરત અમુલ ઇન્ડસ્ટ્રીઝમાં 400થી 500 કામદારો છેલ્લા 35 વર્ષથી ફરજ બજાવતાં હોવા છતાં તેઓએ છેલ્લા 14 મહિનાથી પગાર નહીં ચૂકવતા આજે પણ કામદારો અમુલ ઇન્ડસ્ટ્રીઝનાં દરવાજે જઇ કારખાનામાં હાજરી પુરાવતા રહ્યા છે. અનેક વખત જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપી આંદોલન કર્યું હોવા છતાં આજ સુધી કામદારોને પગાર કે અન્ય કોઇ હિસ્સા નહીં ચૂકવતા સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘનાં વડપણ હેઠળ લેબર કોર્ટમાં ધા નાખવામાં આવી હતી. કામદારોનાં ન્યાયિક પ્રશ્ને અમુલ ઇન્ડસ્ટ્રીઝનાં સંચાલકો સાથે વાટાઘાટ માટે અનેકવખત પ્રયત્ન કરવામાં આવ્યા હોવા છતાં પ્રશ્ન નહીં ઉકેલાતા આંદોલન દરમિયાન પોતાની મરણમૂડી ફસાઇ જતાં આંદોલનકારી કામદારો પૈકી ત્રણ કામદારોએ આત્મહત્યા કરી લેવાની ફરજ પડી હતી. દરમિયાન લેબર કોર્ટે જિલ્લા વહીવટી તંત્રને કામદારોનો પગાર ચૂકવી દેવા માટે મિલ્કત જપ્તીનો આદેશ કરતાં આખરે જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર આજરોજ રાજકોટ પૂર્વના મામલતદાર એસ.જે. ચાવડાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આજી જીઆઈડીસી વિસ્તારમાં દોડી ગઇ હતી. તેમજ અમુલ ઇન્ડસ્ટ્રીઝનાં દરવાજે સીલ મારી મિલ્કત જપ્ત કરવામાં આવી હતી. વહીવટી તંત્રનાં સુત્રોના જણાવ્યા મુજબ અમુલ ઇન્ડસ્ટ્રીઝની હરરાજી કરીને ટુંક સમયમાં કામદારોના પગાર સહિતનાં લેણાં ચૂકવવામાં આવશે.


