અમૂલ ડેરીની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની અવગણના, ભાજપ સામે પૂર્વ ધારાસભ્યના આક્ષેપ
Amul Dairy News : આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ ક્ષત્રિય સમાજની અવગણના કરી વર્ગવિગ્રહનું રાજકારણ રમી પશુપાલકોને ડરાવી રહી હોવાનો આક્ષેપ અને બાલાસિનોર બેઠક ઉપર ભાજપના રાજેશ પાઠકના પુત્ર પાર્થે મોવડી મંડળની અવગણના કરી ઉમેદવારીપત્ર ભર્યું હોવા છતાં શિસ્તભંગના પગલાં કેમ ન લેવાયા તેવા સવાલો સાથે માતરના પૂર્વ ધારાસભ્ય અને વિશ્વાસ પેનલના કન્વીનર કેસરીસિંહ સોલંકીએ વીડિયો વાયરલ કર્યો છે.
આણંદ અમૂલની ચૂંટણી ધીમે ધીમે રાજકીય રંગ પકડી રહી છે. ત્યારે માતરના પૂર્વ ધારાસભ્ય અને વિશ્વાસ પેનલના કન્વીનર કેસરીસિંહ સોલંકીએ ફેસબૂકના માઘ્યમથી આક્ષેપો સાથે વીડિયો વાયરલ કરી જણાવ્યું છે કે, બાલાસિનોર બેઠક ઉપર રાજેશ પાઠકના પુત્ર પાર્થ પાઠકે અગાઉથી ઉમેદવારી નોંધાવી દીધી હતી. બાદમાં ભાજપે રાજેશ પાઠકનું નામ જાહેર કરી મેન્ડેટ આપ્યો હતો. ત્યારે રાજેશ પાઠક કે તેના પુત્ર પાર્થ સામે શિસ્તભંગ અને પક્ષ વિરોધી કાર્યવાહી કરવામાં ભાજપનું મોવડી મંડળ કેમ ચૂપ છે તેવા સવાલો ઉઠાવ્યા હતા.
ભાજપ દ્વારા કપડવંજ અને નડિયાદ બેઠકમાં સમાજના નામે જ્ઞાતિવાદનું રાજકારણ ચાલી રહ્યું છે. ક્ષત્રિય સમાજના ચેરમેનવાળી 11 મંડળીઓને ‘ક’ વર્ગમાં મૂકી દેવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી રહી છે. કાવતરા કરી ભાજપ ક્ષત્રિય, ઓબીસી અને અન્ય સમાજને બીવડાવાનું જે રાજકારણ કરી રહ્યું છે તેને પશુપાલકો મતદાન દ્વારા પરચો બતાવશે.
વિશ્વાસ પેનલ 11 ઉમેદવારો સોમવારે જાહેર કરશે
ભાજપની સ્પર્ધામાં ઉતરેલી વિશ્વાસ પેનલના ઉમેદવારોની પણ સોમવારે જાહેરાતો થશે. શક્ય હશે તો સોમવારે જ વિશ્વાસ પેનલના 11 જેટલા ઉમેદવારો પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.
આણંદ બેઠકમાં ઉમેદવાર પસંદગી માટે ભાજપને અવઢવ
અમૂલ ડેરીની આણંદ બેઠકમાં ભાજપ ઉમેદવાર પસંદગીમાં નિર્ણય લઈ શકતું નથી. આ બેઠકમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર અને હાલ અમૂલના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમારે પણ ઉમેદવારી માટે દાવેદારી કરી હોવાથી હવે પસંદગી કોની કરવી તે સંદર્ભે ભાજપ અવઢવમાં છે.
આક્ષેપ સંદર્ભે અમૂલ ડેરીના ચેરમેન, ચૂંટણી ઈન્ચાર્જે સંપર્ક કરવાનું ટાળ્યું
કેસરીસિંહ સોલંકીના આક્ષેપ બાદ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ અને ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ અજયભાઈ બ્રહ્મભટ્ટનો સંપર્ક કરતા બંનેનો મોબાઈલ વોઇસ મેસેજ પર મૂકી દઈ ઉપાડ્યો ન હતો.
ભાજપના અન્ય 8 ઉમેદવારોની યાદી 25મીએ જાહેર કરાશે
અમૂલની ચૂંટણીના ભાજપના ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટે ભાજપના બાકી રહેલા આઠ ઉમેદવારોની યાદી સોમવારે જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શરૂ કરશે તેવું જાહેર કર્યું હતું.
11 મંડળીને ‘ક’ વર્ગમાં મૂકવા અંગે હાઈકોર્ટમાં મંગળવારે સુનાવણી
અમૂલ ડેરીની ચૂંટણીમાં 11 જેટલી મંડળીઓને ‘અ’ વર્ગમાંથી ‘ક’ વર્ગમાં મૂકી હોવાની હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી. જે સંદર્ભે ચૂંટણી જાહેર થઈ હોવાથી બોર્ડ પર મેટર લેવાતા સુનાવણી હવે મંગળવાર પર ગઈ છે. ત્યારે સૌ કોઈની નજર ચુકાદા ઉપર મંડાઇ રહી છે.