Get The App

અમૂલ ડેરીની ચૂંટણી : આણંદની 4 બેઠકોના 100 મતદારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
અમૂલ ડેરીની ચૂંટણી : આણંદની 4 બેઠકોના 100 મતદારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા 1 - image


- ડેરીમાં સત્તા હાંસલ કરવા ભાજપ અને અપક્ષોનું એડીચોટીનું જોર

- રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવા માટે પ્રલોભનો આપી ફાર્મહાઉસ, હોટેલોમાં લઈ જઈ મોબાઈલ લઈ લીધા : હજૂ પણ વધુ મતદારોને લઈ જવાશે

આણંદ : અમૂલ ડેરીની ૯ બેઠકો માટે ૨૨ ઉમેદવારો વચ્ચે તા. ૧૦મીએ ચૂંટણી યોજાશે. આણંદ જિલ્લાની ચાર બેઠકો ભાજપ અને અપક્ષ માટે વર્ચસ્વની લડાઈ બની છે. આ બેઠકો કબજે કરવા માટે ભાજપ અને અપક્ષ જિલ્લાના મતદારોને અજ્ઞાાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ મતદારો પાસેથી મોબાઈલ ફોન પણ લઈ લેવાયા છે. રાજ્ય કે રાજ્ય બહારના ફાર્મહાઉસ, હોટેલો સહિતના અજ્ઞાાત સ્થળોએ મતદારોને રખાયા છે. 

આણંદ જિલ્લામાં અન્ય મતદારોને અજ્ઞાાત સ્થળે લઈ જવા માટે રાજકીય પક્ષો પ્રલોભનો આપી રહ્યા છે. આગામી દિવસોમાં અન્ય મતદારો પણ સહેલગાહે જાય તેવી સંભાવના છે. ત્યારે તમામ ૧૦૦ જેટલા મતદારોને તા. ૯મી સપ્ટેમ્બર સુધી રાખવામાં આવશે. બોરસદ બેઠક ઉપર ૪૮થી વધુ મતદારોને અજ્ઞાાત સ્થળોએ લઈ જવાયા છે. આ બેઠક સૌથી વધુ ઉત્તેજનાવાળી બની છે. ચૂંટણીમાં બોરસદ બેઠક પાતળી સરસાઈથી હાર- જીત થાય તેવી સંભાવના છે. 

હરીફ ઉમેદવારો સંપર્ક ન કરી શકે તે માટે મતદારોને કિલ્લેબંધીમાં રખાયા છે અને તા. ૧૦મીએ સીધા અમૂલ ડેરી ખાતે મતદાન કરવા માટે મતદારોને લાવવામાં આવશે. ભાજપ, કોંગ્રેસ, અપક્ષ ઉમેદવારો સામ, દામ અને દંડની નીતિ અપનાવી મતદારોને પોતાની તરફે કરવા મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. અજ્ઞાાત સ્થળે લઈ જવાયેલા મતદારો ઉપર રાજકીય પક્ષોના હોદ્દેદારો બાજ નજર રાખી રહ્યા છે. 

આણંદ જિલ્લામાં મત દીઠ મતદારોને બે તબક્કામાં રોકડ આપવાની બાહેધરી

મતદારોને રિઝવવા માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. આણંદ જિલ્લામાં એક મતના ૨.૫૦થી ૪ લાખ સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં ૧.૫૦થી બે લાખ રોકડા આપવામાં આવ્યા છે. મતદાન બાદ બીજા તબક્કામાં પૂરી રકમ આપવાની નક્કી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આવા મતદારો પર રાજકીય પક્ષના હોદ્દેદારોને નજર રાખવા માટે મૂકી દેવાયા છે.

પરિવારના સભ્યને અમૂલમાં નોકરી, પશુ માટે લોન સહિતની મતદારોની શરતો

અમૂલ ડેરીની ચૂંટણીમાં ઉમેદવારો સાથે મતદારો પણ સોદાબાજી કરી રહ્યા છે. જેમાં નાણાકીય લેવડ દેવડ, પરિવારમાંથી એક સભ્યને અમૂલમાં નોકરી, દૂધાળા પશુ માટે લોનની માંગણી કરી રહ્યા છે. જો કે, મતદારોની શરતો સામે ઉમેદવારો પણ લાચારીની સ્થિતિમાં મૂકાયા છે.

કઈ બેઠક પર કેટલા મતદારો અજ્ઞાત સ્થળે

બેઠક

મતદારો

આણંદ

૨૦

બોરસદ

૪૭

પેટલાદ

૧૨

ખંભાત

૧૮

Tags :