Gujarat

અષાઢે અમૃત વર્ષા : જિલ્લાના આઠ તાલુકામાં ઝરમરથી દોઢ ઈંચ વરસાદ

By GS TEAM
27 Jun 20252 mins read
અષાઢે અમૃત વર્ષા : જિલ્લાના આઠ તાલુકામાં ઝરમરથી દોઢ ઈંચ વરસાદ

ભાવનગર અને બોટાદ જિલ્લાના 11 ડેમ વિસ્તારમાં પાણી વરસ્યું

સુખભાદર ડેમમાં રાત્રે 323 ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ, એક દરવાજા અર્ધો ફૂટ ખોલવામાં આવ્યો, રાણપુરમાં પોણો ઈંચ, બોટાદ અને ગઢડામાં ઝરમર મેઘમહેર

ભાવનગર: ભાવનગર જિલ્લામાં અષાઢ માસના આરંભે આઠ તાલુકામાં ઝરમરથી લઈ દોઢ ઈંચ સુધી અમૃત વર્ષા થઈ હતી. બોટાદ જિલ્લાના ત્રણ તાલુકામાં પણ મેઘરાજાએ અષાઢના આરંભનું મુહૂર્ત સાચવ્યું હતું. બન્ને જિલ્લાના ડેમ વિસ્તારમાં પા ઈંચથી લઈ દોઢ ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો.

ભાવનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં આજે સવારથી જ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર શહેરમાં સવારથી બપોર સુધી છાંટા વરસતા અનેક વિસ્તારમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય સર્જાયું હતું. બપોરે ૧૦થી ૧૫ મિનિટ સુધી ધોધમાર સાત મિ.મી. પાણી વરસી જતાં રસ્તાઓ પરની ગંદકી ધોવાઈ જતાં માર્ગો સ્વચ્છ થયા હતા. સાંજના સમયે ઉઘાડ નીકળતા સૂર્યનારાયણના દર્શન થયા હતા. આખો દિવસ રહેલા વરસાદી માહોલના કારણે મહત્તમ તાપમાન ૨.૭ ડિગ્રી ઘટીને ૩૦.૧ ડિગ્રીએ પહોંચી ગયું હતું. આવતીકાલે શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ થવાનું હોય, તેમાં પણ વરસાદનું વિઘ્ન રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

ઉમરાળામાં બપોરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ધોધમાર દોઢ ઈંચથી વધુ ૪૦ મિ.મી. પાણી વરસાવ્યું હતું. વલ્લભીપુરમાં બપોરે ચાર મિ.મી., ઘોઘામાં એક ઈંચ જેટલો ૨૧ મિ.મી. વરસાદ ખાબક્યો હતો. સિહોરમાં સવાર અને બપોરે ઝરમર વરસાદ થતાં ત્રણ મિ.મી. પાણી વરસ્યું હતું. પાલિતાણામાં સાંજે છ વાગ્યા બાદ અર્ધો ઈંચ (૧૨ મિ.મી.), તળાજામાં બપોરે અર્ધો ઈંચથી વધુ (૧૫ મિ.મી.), મહુવામાં પોણો ઈંચ જેટલો (૧૭ મિ.મી.) વરસાદ વરસ્યો હતો. જેસર અને ગારિયાધારમાં મેઘવિરામ રહ્યો હતો.

બોટાદ જિલ્લામાં પણ મેઘરાજાની હાજરી નોંધાઈ હતી. રાણપુરમાં ધોધમાર પોણો ઈંચ (૨૦ મિ.મી.) વરસાદ ખાબકી જતાં ઠંડક પ્રસરી હતી. ગઢડામાં બે મિ.મી. અને બોટાદમાં એક મિ.મી. ઝરમર વરસાદ થયો હતો.

ભાવનગર અને બોટાદ જિલ્લાના ડેમ વિસ્તારોમાં અર્ધોથી દોઢ ઈંચ જેટલો વરસાદ થયો હતો. જેમાં ઉતાવળી, કાળુભાર, કાનિયાડ, બગડમાં ૧૦-૧૦, ગોમામાં પાંચ, ભીમદાડ અને માલણમાં ૧૫, સુખભાદરમાં ૨૫, રંઘોળામાં ૩૪, પીંગળીમાં ૦૮, બગડમાં ૧૦ અને જસરપરા (માંડવા) ડેમ વિસ્તારમાં ૨૫ મિ.મી. વરસાદ વરસ્યાનું નોંધાયું છે. તો ગોમામાં ૬૦ અને ભીદાડમાં ૬૬ ક્યુસેક પાણીની નજીવી આવક-જાવક રહી હતી. સુખભાદર ડેમ ઓવરફ્લો થતાં રાત્રિના આઠ વાગ્યાથી ડેમમાં ૩૨૩ ક્યુસેક આવકની સામે એક દરવાજો અર્ધો ફૂટ ખોલી ૩૨૩ ક્યુસેક પાણીની જાવક શરૂ કરાઈ હોવાનું ભાવનગર સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.