રાહત પેકેજ 2024: અમરેલીના લાઠી તાલુકાના 19 ગામને બાકાત રખાતા ખેડૂતોમાં રોષ
Amreli News: હાલમાં ઓક્ટોમ્બર 2024 માં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીમાં થયેલા ભારે નુકશાનને લઈ સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં લાઠી તાલુકાના કેટલાક ગામોને આ રાહત પેકેજથી બાકાત રખાયા છે. જેને લઇ લાઠી તાલુકાના ગામડાઓના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
ઓક્ટોમ્બર 2024માં અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રાહત મળી રહે તેવા હેતુથી રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં અમરેલીના લાઠી તાલુકાના 49 ગામો માંથી 30 ગામોને આ રાહત પેકેજ માં આવરી લેવાયા છે, જ્યારે બાકીના 19 ગામોને હાલ આ રાહત પેકેજથી વંચિત રાખવામાં આવ્યા છે.
ત્યારે લાઠીના રામપર ગામના ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરતા તમામ ગામોને આ રાહત પેકેજ મળે અને ખેડૂતોને લાભ મળે તેવી માંગ કરી છે. જ્યારે આ બાબતે ધારાસભ્ય જનક તળાવિયાએ પણ રાજ્ય સરકારને પત્ર લખી બાકી રહેલા ગામોને પણ આનો લાભ મળે તે માટે રજૂઆત કરી છે.
6 જિલ્લામાં કપાસના પાકને નુકસાન
વર્ષ 2024ના ઑક્ટોબર મહિનામાં રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે કપાસના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. જે ખેડૂતોના પાકને 33 ટકાથી વધુ નુકસાન થયું હતું, તેમને આ સહાય આપવામાં આવશે.
પ્રતિ હેક્ટર રૂ. 11,000ની સહાય
સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર, ખેડૂતોને બે રીતે સહાય મળશે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) હેઠળ પ્રતિ હેક્ટર રૂ. 8,500 અને રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ હેક્ટર રૂ. 2,500 એમ કુલ મળીને પ્રતિ હેક્ટર રૂ. 11,000ની સહાય ચૂકવવામાં આવશે. આ સહાયમાં ખાતાદીઠ 2 હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે.