અમરેલી: વડિયાના ખાણ ખીજડિયામાં સાત વર્ષના બાળકને શ્વાને ફાડી ખાતા મોત, ગામમાં ભયનો માહોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dogs Fatally Attack In Amreli: અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખાણ ખીજડિયા અને તોરી ગામની સીમમાં હિંસક બનેલા શ્વાનોના આતંકની આઘાતજનક ઘટના સામે આવી છે. ગઈકાલે (પહેલી જૂન) સીમ વિસ્તારમાં એક સાત વર્ષીય રોમિત બારૈયાને શ્વાનોના ઝુંડે ફાડી ખાતા મોત નીપજ્યું હતું. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર ખાણ ખીજડિયા ગામમાં ભારે ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. હાલમાં પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ગ્રામજનો હવે વન્યપ્રાણીઓ કરતાં આ હિંસક શ્વાનોથી વધુ ભયભીત બન્યા છે.
ભયના માર્યા મજૂરો વતન પરત ફર્યા
આ જીવલેણ હુમલા બાદ ખાણ ખીજડિયા અને આસપાસના સીમ વિસ્તારોમાં ખેતીકામ કરવું મુશ્કેલ બન્યું છે. શ્વાનોના આતંકની સીધી અસર સ્થાનિક ખેતી અને મજૂરો પર પડી રહી છે. શ્વાનોના સતત ભયને કારણે સ્થાનિક ખેડૂતો અને ખેતમજૂરો હવે પોતાના જીવના જોખમે, સ્વરક્ષણ માટે હાથમાં લાકડીઓ લઈને ખેતરે જવા મજબૂર બન્યા છે. હિંસક શ્વાનો કરડી ખાશે તેવા ડરના કારણે સીમ વિસ્તારમાં કામ કરતા અનેક ખેતમજૂરો કામધંધો પડતો મૂકીને પોતાના વતન પરત ફરી ગયા છે, જેના લીધે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
શ્વાનોને પાંજરે પૂરવા ઓપરેશન શરૂ
વહીવટી તંત્રની રાહ જોયા વિના, ખાણ ખીજડિયાના સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ આ હિંસક શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે પોતે જ કમર કસી છે અને શ્વાનોને પકડવાનો મક્કમ નિર્ણય કર્યો છે. ગ્રામજનોની વિનંતી અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુલતાનપુર ગામેથી શ્વાનો પકડવામાં નિષ્ણાત એવી ખાસ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સીમ વિસ્તારમાં જ્યાં શ્વાનોનો આંતક રહે છે, ત્યાં તેમને આબાદ ઝડપી લેવા માટે મોટી ઝાળ બિછાવી દેવામાં આવી છે.









