અમરેલીનો દરિયો ગાંડો થયો, જાફરાબાદ અને રાજપરાની બોટ ડૂબી, 10 માછીમારોનું રેસ્ક્યૂ, 8ની શોધખોળ શરૂ
Amreli News: અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. અમરેલીના જાફરાબાદ, બાબાપુર ગામ, વડીયા, તુલશીશ્યામ, બાબરકોટ, મિતિયાળા, નાગેશ્રી, કડીયાળી, ખાંભા, રાજુલા, બગસરા, ધારીમાં સારા વરસાદથી જગતનો તાત ખુશખુશાલ છે. અમરેલી પંથકની મોટાભાગની નદીઓ બે કાંઠે છે અને ડેમ પણ છલોછલ ભરાયા છે. આ વચ્ચે અમરેલીનો દરિયો ગાંડો થયો છે. અમરેલીના દરિયામાં બે બોટ પલટી હોવાના માઠા સમાચાર મળી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ આ બંને બોટ દરિયામાં જળસમાધી લીધી છે. બંને બોટમાં 9-9 જેટલા માછીમારો સવાર હતા. જેમાંથી મોટાભાગના માછીમારોને અન્ય બોટ ધારકોએ બચાવી લીધા છે. જ્યારે કેટલાકની શોધખોળ ચાલી રહી છે. જાફરાબાદની બોટમાંથી બચાવવામાં આવેલા 5 માછીમારોમાંથી બે માછીમારોને ઇજાગ્રસ્ત થયા છે.
જાફરાબાદ માછીમારો દ્વારા ફિશરીજ વિભાગ અને વહીવટી તંત્રને જાણ કરાઈ હતી. જેથી તંત્રએ પીપાવાવ કોસ્ટગાર્ડને માહિતી આપી હતી. હાલ અંદર વાયરલેસ મારફતે માહિતી મંગાવવામાં આવી રહી છે. ઉપરાંત અન્ય માછીમારો દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.