અમરેલી: સેટેલાઇટ સર્વેની ભૂલે જગતનો તાત ચિંતિત, મગફળી વાવી છતાં નથી દેખાતી, ખેડૂતોને ધક્કા
Amreli Farmer News: રાજ્ય સરકાર દ્વારા 2025-26 માટે ટેકાના ભાવે મગફળી, અડદ અને સોયાબીન સહિતના પાકોની ખરીદીની જાહેરાત બાદ ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હતી. જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નથી. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હવે સેટેલાઇટ સર્વેમાં પાક ન દેખાતો હોવાના મેસેજ આવતા ખેડૂતો, ખાસ કરીને અમરેલી જિલ્લાના ભમર ગામના ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને સરકારી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
રજીસ્ટ્રેશન માટે ધક્કા, હવે વાંધા અરજી માટે દોડધામ
થોડા દિવસો પહેલા જ્યારે સરકારે ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની જાહેરાત કરી, ત્યારે ખેડૂતો ગ્રામ પંચાયતો પર લાઈનો લગાવીને ઉભા હતા. સર્વર ડાઉનની પારાવાર મુશ્કેલીઓ વેઠીને માંડ માંડ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી. આ માટે ખેડૂતોએ 7/12, 8ના ઉતારા, બેંક પાસબુક, આધાર કાર્ડ અને તલાટી દ્વારા અપાયેલ વાવેતરના દાખલા જેવા તમામ દસ્તાવેજો જમા કરાવ્યા હતા.
પરંતુ હવે, સરકાર દ્વારા કરવામાં આવેલા સેટેલાઇટ ક્રોપ સર્વેમાં અનેક ખેડૂતોની જમીનમાં મગફળીનું વાવેતર ન દેખાઈ રહ્યું હોવાના મેસેજ તેમના મોબાઈલ પર આવી રહ્યા છે. મેસેજમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, 'સેટેલાઇટ સર્વેમાં આપની જમીનમાં મગફળીનું વાવેતર જણાયું નથી. જો આપે વાવેતર કર્યું હોય તો ત્રણ દિવસમાં ગ્રામ સેવક દ્વારા સર્વે કરાવી વાંધા અરજી રજૂ કરવી.' આ મેસેજ મળતા જ ખેડૂતોમાં દોડધામ મચી ગઈ છે. રજીસ્ટ્રેશન બાદ ફરી એકવાર સરકારી કચેરીઓના ધક્કા ખાવાનો વારો આવતા જગતનો તાત લાચાર બન્યો છે.
ડિજિટલ સર્વેની ભૂલનો ભોગ ખેડૂતો કેમ બને?
ખેડૂતોનો સ્પષ્ટ આરોપ છે કે આ સંપૂર્ણપણે તંત્રની ભૂલ છે. ઘણા ખેડૂતોની ફરિયાદ છે કે સેટેલાઇટ સર્વેમાં તેમની જમીનનો સર્વે નંબર જ ખોટો બતાવવામાં આવી રહ્યો છે. ઓનલાઈન રેકોર્ડમાં રહેલી આ ગંભીર ભૂલોને કારણે જમીન પર વાવેતર હોવા છતાં સેટેલાઇટમાં તે દેખાઈ રહ્યું નથી. ખેડૂતો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે ગ્રામ સેવકો નિયમિતપણે ગામમાં હાજર હોતા નથી, જેના કારણે વાંધા અરજીની પ્રક્રિયા વધુ જટિલ બની છે.
વધુમાં આ સમસ્યા માત્ર ટેકાના ભાવની ખરીદી પૂરતી મર્યાદિત નથી. ડિજિટલ રેકોર્ડમાં રહેલી ક્ષતિઓને કારણે પીએમ કિસાન યોજનાના હપ્તાઓ મેળવવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.
ખેડૂતોની માંગ છે કે સરકાર પોતાની ડિજિટલ સર્વેની ભૂલો સુધારે અને ખેડૂતોના વાસ્તવિક જમીન સર્વે નંબરોને ઓનલાઈન રેકોર્ડ પર સત્વરે અપડેટ કરે, જેથી તેમને આવી બિનજરૂરી હેરાનગતિમાંથી મુક્તિ મળે. સરકારની ડિજિટલ ભૂલનો ભોગ ખેડૂતો શા માટે બને, તેવો સવાલ અમરેલીના ખેડૂત પૂછી રહ્યા છે.