Amreli News: સાવરકુંડલાના મહુવા રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ઘરવખરીનો સામાન લઈને જઈ રહેલા દંપતીને એક બેફામ ડમ્પરે અડફેટે લેતા પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પતિને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈપણનું કાળજું ધ્રૂજી ઉઠે તેમ છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, સાવરકુંડલાના મહુવા રોડ પર એક દંપતી બાઈક પર ઘરવખરીનો સામાન લઈને પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન એક વળાંક પાસે ડમ્પર ટ્રકની સાઈડમાંથી પસાર થતી વખતે અચાનક અકસ્માત સર્જાયો હતો. ખરાબ રસ્તાના કારણે બાઈક ચાલક પતિએ સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ડમ્પર એકદમ નજીક હોવાથી બાઈક સીધું જ ડમ્પરના પાછળના ટાયરમાં ઘૂસી ગયું હતું.

પત્નીનું ઘટનાસ્થળે મોત, પતિ ઇજાગ્રસ્ત
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પાછળ બેસેલા અમીનબેન વાઘેલા ડમ્પરના ટાયર નીચે આવી ગયા હતા અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

તંત્રની બેદરકારી કે નસીબનો ખેલ?
સ્થાનિકોમાં ચર્ચા મુજબ, રસ્તાની બિસ્માર હાલત આ અકસ્માત માટે જવાબદાર છે. રસ્તા પરના ખાડા કે ખરાબ પેચને કારણે બાઈક સ્લિપ થયું અને બાજુમાં ચાલતા ડમ્પરના તોતિંગ ટાયરે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી. હાલ પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.


