Get The App

સાવરકુંડલામાં 'વિકાસ'ની દુર્ગંધ! મુખ્ય બજાર-ભાજપના નેતાના ઘર પાસે જ ગટરના પાણીની રેલમછેલ, તંત્રના વાંકે રોગચાળાનો ભય

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
સાવરકુંડલામાં 'વિકાસ'ની દુર્ગંધ! મુખ્ય બજાર-ભાજપના નેતાના ઘર પાસે જ ગટરના પાણીની રેલમછેલ, તંત્રના વાંકે રોગચાળાનો ભય 1 - image


Amreli News: ગુજરાતના આ શહેરમાં વેપાર કરવો હોય તો મોઢે રૂમાલ બાંધવો ફરજિયાત છે. નગરપાલિકાએ એટલો વિકાસ કર્યો છે કે ગટરના પાણી સાક્ષાત રોડ પર દર્શન આપી રહ્યા છે. લોકો તેમજ વેપારીઓ એટલી હદે ત્રાસી ગયા છે કે મોઢા પર રૂમાલ પહેરી નીકળવું પડે તેવી નોબત આવીને ઊભી છે. વિકાસની ડીંગો હાંકતી સાવરકુંડલા નગરપાલિકાની આ દેણ છે. લોકોએ વિકાસને વોટ આપ્યો હતો પણ અહીં તો નગરપાલિકા શાસકો સત્તાના મદમાં એટલા તલ્લીન છે કે વિકાસનું ફિડલું વાળી ગજવા મૂકી દીધું છે. બસ લોકોને પડતી પારાવાર મુશ્કેલીઓને આંખ આડા કાન કરી જોઈ રહ્યા છે પણ નિવેડો લાવવા ચૂંટણીની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 

રસ્તા પર ગટરના તળાવ જેવા દ્રશ્યો

અમરેલીના સાવરકુંડલાના હૃદય સમાન જેસર રોડ વિસ્તારમાં ઉભરતા ગટરના પાણીથી વેપારી અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. રસ્તા પર તળાવ જેવા દ્રશ્યો છે. ગમે ત્યારે વિસ્તાર રોગચાળાની ચપેટમાં આવી શકે છે. હદ તો ત્યારે થાય છે કે વોર્ડ નંબર 8ના ભાજપ મહિલા સદસ્યના ઘર સામે જ ગટર રોજ ઉભરાઇ રહી છે, છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી, કદાચ કારમાં ફરતા નગરપાલિકાના શાસકોને લોકોની પરેશાની નહીં દેખાતી હોય, હાલ તો જેસર રોડ પર આવેલા વેપારીઓની મનોદશા એવી થઈ ગઈ છે કે વેપાર કરવો કે ગટરની ગંધનો સામનો કરવો, બચવા માટે મોઢા પર રૂમાલ બાંધી વેપારી વેપાર કરવા મજબૂર છે. રોડ પર ગંદુ પાણી ભરાતા દુકાનદારોની ઘરાકીમાં પણ મોટો ઘટાડો આવ્યો છે. લોકો આ રોડ પર નીકળવાનું ટાળી રહ્યા છે. 

સાવરકુંડલામાં 'વિકાસ'ની દુર્ગંધ! મુખ્ય બજાર-ભાજપના નેતાના ઘર પાસે જ ગટરના પાણીની રેલમછેલ, તંત્રના વાંકે રોગચાળાનો ભય 2 - image

'અનેક રજૂઆતો છતાં આ પ્રશ્ન ઠેર ને ઠેર જ'

ચીરાગ હીરપરા નામના સ્થાનિકે બળાપો ઠાલવતાં કહ્યું કે ' આ કોઈ વરસાદના પાણી નથી, ગટરના પાણી છે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે વેપારીઓ મોઢે રૂમાલ બાંધીને વેપાર કરે છે, પણ નગરપાલિકા કોઈ જ કામ કરતી નથી, ગટરના કચરાના અનેક પ્રશ્ન છે, લોકોને આ બધુ કોઠે પાડી દીધું છે. કોઈ જ નિરાકરણ આવતું નથી, અનેક રજૂઆતો છતાં આ પ્રશ્ન ઠેર ને ઠેર જ છે.

સાવરકુંડલામાં 'વિકાસ'ની દુર્ગંધ! મુખ્ય બજાર-ભાજપના નેતાના ઘર પાસે જ ગટરના પાણીની રેલમછેલ, તંત્રના વાંકે રોગચાળાનો ભય 3 - image

બીજી તરફ અનુરાગ ડોબરીયા નામના વેપારીએ પણ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે 'પાંચ દિવસથી ગટરનું પાણી એકધારુ નીકળે છે, ભાજપના મહિલા સદસ્યના ઘર સામેથી જ ગટર વહે છે પણ કોઈ જ નિરાકરણ લાવતું નથી, લોકોને હાલવા ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અમે તો રૂમાલ બાંધીને બેસીએ છીએ વાહન કોઈ આવે તો દુકાનમાં પાણી ઊડે છે.', રોડ રસ્તા સફાઇ જેવી પ્રાથમિક જરૂરીયાતો પર કાશ નગરપાલિકા ધ્યાન આપે, હવે જાગે અને લોકોને પડતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવે. 

આ પણ વાંચો: એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ