અમરેલીનો ચોંકાવનારો કિસ્સો! 1 રૂ.ની વસૂલી માટે વીજકંપનીની નોટિસ, ખેડૂત કોર્ટના ધક્કા ખાવા મજબૂર
1 રૂ.ની વસૂલી માટે 5 રૂ.ની ટિકિટ ચોંટાડી નોટિસ મોકલતાં મામલો ચર્ચામાં આવ્યો
સાત વર્ષ પહેલા જ વીજકનેક્શન કાપી નખાયું હતું
1 Rupee Notice to Farmer in Amreli News | અવારનવાર એવા કિસ્સાઓ સાંભળવા મળે છે જેના પર ભરોસો કરવો મુશ્કેલ થઈ જાય છે. પણ સરકારી તંત્રમાં પણ ક્યારેક એવા લોચા જોવા મળે છે કે લોકોના મોઢેથી નીકળી જાય છે કે, બસ આ જ જોવાનું બાકી હતું! તાજેતરનો કિસ્સો અમરેલીનો છે જ્યાં એક ખેડૂતને વીજકંપની PGVCL દ્વારા 1 રૂપિયાનું લેણું વસૂલવા માટે નોટિસ મોકલી દેવામાં આવી હતી.
કાયદેસર રીતે નોટિસ મોકલાઈ
જોકે અહીં મામલો એટલો રસપ્રદ બની ગયો કેમ કે 1 રૂપિયાની આ વસૂલીનો કેસ સાત વર્ષ જૂનો છે. મામલો એવો છે કે અમરેલી જિલ્લાના કુંકાવાવા ખાતે એક ખેડૂતના ખેતરમાં વીજ કનેક્શન કાપી નખાયું હતું. આ મામલો સાત વર્ષ પહેલા બન્યો હતો. જોકે સાત વર્ષ પછી વીજકંપનીએ આ નોટિસ મોકલીને બાકી લેણાં તરીકે 1 રૂપિયાની માગ કરી ખેડૂતને કોર્ટના ધક્કા ખાતો કરી દીધો છે. આ 1 રૂપિયાની વસૂલી માટે ઉપરથી 5 રૂપિયાની ટિકિટ ચોંટાડીને નોટિસ મોકલવામાં આવી.
ઊર્જામંત્રીએ શું કહ્યું?
આ મામલો સામે આવતાં જ તંત્રની કિરકિરી થતાં સરકાર વતી ઊર્જામંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ રીતે કોઈને 1 રૂપિયાના બાકી લેણાં માટે નોટિસ ન મોકલાય. અમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.