Election Drama in Chalala: અમરેલી જિલ્લાના ધારી તાલુકાની ચલાલા નગરપાલિકામાં આજે યોજાનારી પ્રમુખ પદની ચૂંટણી નાટકીય વળાંક બાદ મોકૂફ રાખવામાં આવી છે. પાલિકાના સભાખંડમાં તમામ સભ્યોની હાજરી અને વહીવટી તૈયારીઓ પૂર્ણ થઈ હોવા છતાં, ધારી પ્રાંત કલેક્ટરનો ફેક્સ આવતા ચૂંટણી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. હવે આગામી 16 જાન્યુઆરીના રોજ નવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે.
રાજીનામા બાદ ખાલી પડી હતી બેઠક
ચલાલા નગરપાલિકાની 24માંથી 24 બેઠકો પર ભાજપનું શાસન છે. ગત 4 માર્ચ 2025ના રોજ નયનાબેન વાળા પ્રમુખ પદે ચૂંટાયા હતા. જોકે, માત્ર 9 મહિનાના ટૂંકા ગાળામાં જ સભ્યોમાં ભારે અસંતોષ ઊભો થયો હતો. સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવે તે પહેલા જ નયનાબેન વાળાએ સ્વેચ્છાએ રાજીનામું આપી દેતા પ્રમુખ પદ ખાલી પડ્યું હતું. આ ખાલી પડેલી બેઠક ભરવા માટે આજે સત્તાવાર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.
છેલ્લી ઘડીએ કેમ અટકી ચૂંટણી?
આજે સવારે જ્યારે ભાજપના તમામ સભ્યો પાલિકા કચેરી ખાતે નવા પ્રમુખના નામની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જ ધારી પ્રાંત કલેક્ટરનો આદેશ મળ્યો હતો. ધારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જે.વી. કાકડીયા પણ પાલિકા કચેરી પહોંચ્યા હતા અને સભ્યોને આદેશની નકલ બતાવી જાણ કરી હતી કે ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
ધારાસભ્ય જે.વી. કાકડીયાએ જણાવ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમોમાં વહીવટી તંત્રની વ્યસ્તતાને કારણે ચલાલા પાલિકા પ્રમુખની ચૂંટણી હાલ મોકૂફ રાખવામાં આવી છે. પ્રાંત કલેક્ટરના લેખિત આદેશ મુજબ હવે આગામી 16 જાન્યુઆરી 2026ના રોજ ફરીથી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સભ્યોમાં નારાજગી અને ચર્ચાઓનું બજાર ગરમ
એક તરફ વહીવટી કારણોસર ચૂંટણી મોકૂફ રખાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ રાજકીય ગલિયારાઓમાં એવી પણ ચર્ચા છે કે આંતરિક જૂથબંધી અથવા નામ નક્કી કરવામાં પડી રહેલી મુશ્કેલીને કારણે આ વિલંબ થયો હોઈ શકે છે. સભાખંડમાં અપેક્ષા સાથે આવેલા સભ્યોએ વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. હવે 16 જાન્યુઆરીએ ચલાલા પાલિકાનું સુકાન કોના હાથમાં જશે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.


