ધારીની મદરેસાના મૌલાનાનું દુશ્મન દેશ સાથે કનેક્શનની આશંકા, મોબાઇલમાંથી પાકિસ્તાન-અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રૂપ મળ્યા
Amreli News : પહલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરની અને રાજ્યની પોલીસ સતર્ક મોડમાં છે. રાજ્યભરમાંથી પાકિસ્તાનીઓને પરત મોકલવાની કવાયત ચાલી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું છે. મૌલાનાના મોબાઇલમાંથી "પાકિસ્તાન"અને "અફઘાનિસ્તાન"ના સોશિયલ મીડિયામાં ગ્રૂપ મળી આવતાં એસઓજીની ટીમ ચોંકી ઉઠી હતી. આ મામલે ધારી પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. અમરેલી એસઓજીએ શંકાસ્પદ મૌલાનાની તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે.
મૌલાનાનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની આશંકા
પ્રાપ્ત માહિતી અનુસાર ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમરેલી એસઓજીને તપાસ દરમિયાન માહિતી મળી હતી કે હિમખીમડીપર વિસ્તારમાં આવેલી મદરેસામાં મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ ગેરકાયદે રીતે વસવાટ કરે છે. જેથી SOGની ટીમ પુરાવા માંગ્યા હતા પરંતુ મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા ન હોવાથી મૌલનાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
મૌલાના જુહાપુરાનો રહેવાસી
પૂછપરછ દરમિયાન મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. મૌલાનાનો મોબાઇલ ચકાસતાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રૂપ મળી આવ્યા હતા. જેને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે કે મૌલાના કેટલા સમયથી અહીં રહેતો હતો અને અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું. પાકિસ્તાનમાં કોના કોના સંપર્ક છે તે અંગે તપાસ ચાલી રહી છે.
આ અંગે અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જણાવ્યું હતું કે મોબાઇલમાંથી મળી આવેલા સોશિયલ મીડિયા ગ્રૂપ અને શંકાસ્પદ ગતિવિધિઓના લીધે મૌલાનાની અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન મૌલાના અમદાવાદના જુહાપુરાનો રહેવાસી છે પરંતુ મૂળ રહેઠાણના પુરાવા નથી. મૌલાના પાકિસ્તાન સાથે સંકળાયેલા છે નહીં તે તપાસ બાદ સામે આવશે.