25 વર્ષથી સંતાકૂકડી રમતો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, અમરેલી LCBને મળી સફળતા
Amreli Crime News: અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2000માં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાનો આરોપી 25 વર્ષ બાદ મહારાષ્ટ્રના નાગપુરથી ઝડપાયો છે. અમરેલી એલ.સી.બી.એ આ આરોપીને દબોચી લેવામાં સફળતા મેળવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ રતનપુર, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગરનો રહેવાસી હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામ મિસ્ત્રી જે દોઢેક વર્ષ પહેલાં પોતાના વતનમાં આવ્યો હતો અને હાલમાં મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર જિલ્લાના કટોલ તાલુકાના ગગાલડોહ ગામમાં મજૂરીકામ કરી રહ્યો હતો. તે 25 વર્ષથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.
વર્ષ 2000માં ભરત મિસ્ત્રીએ ફરિયાદી પાસેથી સામાન વાડીએ લઈ જવાના બહાને લીધી હતી અને પછી તે કાર પરત આપી ન હતી. આ ગુના બદલ તેની સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.
અમરેલી એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કટોલ તાલુકાના ગગાલડોહ ગામમાંથી આરોપી હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામ મિસ્ત્રીને ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળતા બદલ અમરેલી એલ.સી.બી.ની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.