અમરેલીના જશવંત ગઢમાં રખડતા શ્વાનનો આતંક, પિતાની નજર સામે દોઢ વર્ષના બાળક પર હુમલો
Amreli News: અમરેલી જિલ્લાના જશવંતગઢ ગામે રખડતા શ્વાનનો આતંક યથાવત્ છે. જશવંતગઢથી રાંઢિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ફેક્ટરીમાં મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારના આશરે દોઢ વર્ષના બાળક પર રખડતા શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પરપ્રાંતીય પરિવારનો બાળક આંગણામાં રમી રહ્યો હતો, ત્યારે નજીકમાં બાંકડા પર બેઠેલો એક શ્વાન અચાનક ધસી આવ્યો અને બાળક પર હુમલો કર્યો. શ્વાન બાળકને મોઢામાં પકડીને ભાગી રહ્યો હતો. આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. બાળકના જોરથી રડવાનો અવાજ સાંભળીને તેના પિતા તરત જ તેની પાછળ દોડ્યા હતા. પિતાને આવતા જોઈને શ્વાન બાળકને છોડીને ભાગી ગયો હતો.
સદનસીબે બાળકના પિતા સમયસર પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ જશવંતગઢ ગામે રખડતા શ્વાનના હુમલાના ત્રણથી ચાર બનાવો બની ચૂક્યા છે. સ્થાનિકોએ તંત્ર પાસે આ રખડતા શ્વાનોના આતંકમાંથી મુક્તિ અપાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.