અમરેલી વૃદ્ધ દંપતી હત્યા કેસ, પોલીસે ફરિયાદ નોંધતા આખરે ગ્રામજનોએ મૃતદેહ સ્વીકાર્યા
Amreli News: અમરેલી જિલ્લામાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં શુક્રવારે (18મી જુલાઈ) વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે એકલા રહેતા વૃદ્ધ દંપતીની પાઈપ અને કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી. મૃતક વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી ગાયબ હોવાથી લૂંટના ઈરાદે હત્યા થયાની આશંકા સેવાઈ રહી છે. જ્યારે આજે શનિવારે (19મી જુલાઈ) હત્યા અને લૂંટ મામલે પોલીસ ફરિયાદ ન નોંધાતા ગ્રામજનો હોસ્પિટલ ખાતે એકઠા થઈને જ્યાં સુધી ફરિયાદ ન નોંધાઈ ત્યાં સુધી વૃદ્ધ દંપતીના મૃતદેહ ન સ્વીકારવાનું કહ્યું હતું. આ મામલે ગ્રામજનોના વિરોધ બાદ પોલીસે અજાણ્યા શખ્સો સામે લૂંટ-હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડિયામાં દંપતીના લૂંટ-હત્યા મામલે ફરિયાદ નોંધાઈ
અમરેલીના વડિયામાં વૃદ્ધ દંપતીની હત્યા મામલે હત્યા અને લૂંટની પોલીસ ફરિયાદ નોંધવામાં આવતાં ગ્રામજનોએ મૃતકના મૃતદેહનો સ્વીકાર્યો છે. બંને મૃતકની અંતિમવિધિ માટે મૃતદેહ રવાના કરી દેવાયા છે. આ મામલે SPએ જણાવ્યું હતું કે, આરોપીને પકડવા માટે એલસીબી-એસઓજી, DYSP સહિતની વિવિધ 5 ટીમો બનાવી છે. આસપાસના જૂનાગઢ સહિત બોડર વિસ્તાર સુધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
જાણો શું છે મામલો?
મળતી માહિતી અનુસાર, ઢૂંઢિયા પીપળિયા ગામમાં એક ઘટનામાં જ્યાં 70 વર્ષીય વૃદ્ધ ખેડૂત દંપતી ચકુભાઈ રાખોલિયા અને કુંવરબેન રાખોલિયાની હત્યા થઈ હતી. વૃદ્ધ દંપતી એકલા રહેતા હતા. જો કે, તેમના સંતાનો સુરત અને રાજકોટ ખાતે રહે છે. મૃતક દંપતી સવારે અને સાંજે દૂધ લેવા બહાર નીકળ્યા નહોતા અને સંતાનોના ફોન પણ નહીં ઉપાડતા આ અંગે પાડોશીઓને જાણ કરી હતી.
આ પણ વાંચો: કચ્છના અંજારમાં મહિલા ASIનું બોયફ્રેન્ડે ગળુ દબાવી હત્યા કરી, આરોપી CRPFનો જવાન
પાડોશીએ ઘરમાં તપાસ કરવાથી વૃદ્ધ દંપતીના મૃતદેહ નજરે પડ્યા હતા. જેમાં વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી પણ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. જેથી લૂંટના ઈરાદે હત્યા થયાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. આ ડબલ મર્ડરનો ગંભીર બનાવ હોવાથી ફોરેન્સિક ટીમને પણ ઘટના સ્થળે બોલાવીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘરમાં એકલા રહેતા આ દંપતીની હત્યા કરાયેલા મૃતદેહ મળતા સમગ્ર ગામ અને પંથકમાં ભયનો માહોલ છવાયો છે.