અમરેલીમાં બે હૃદયદ્રાવક ઘટના: શ્વાને બે બાળકો પર કર્યો હુમલો, એકનું કરૂણ મોત
Amreli News : અમરેલી જિલ્લાના ચિતલ ગામ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. શ્વાનના આતંકને લઇને ગ્રામજનોમાં ભયનો માહોલ પેદા થયો છે. તાજેતરમાં બનેલી બે હૃદયદ્રાવક ઘટનાઓએ આ ભયને વધુ ઘેરો બનાવ્યો છે, જેમાં બે માસૂમ બાળકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા છે.
પ્રથમ કરુણ ઘટના ચિતલના સીમ વિસ્તારમાં બની હતી. ખેત મજૂરી કરતા એક પરિવારની અઢી વર્ષની બાળકી પર શ્વાને અચાનક હુમલો કર્યો હતો. શ્વાનના આ જીવલેણ હુમલામાં બાળકીને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પરિવાર અને ગ્રામજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.
બીજો બનાવ જસવંતગઢ ગામના પ્લોટ વિસ્તારમાં બન્યો હતો. અહીં એક ચાર વર્ષના બાળક પર શ્વાને હુમલો કરીને તેને ગંભીર રીતે બચકા ભર્યા હતા. બાળકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ એક પછી એક શ્વાનના હુમલાની ઘટનાઓને પગલે ચિતલ અને આસપાસના ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનો સ્થાનિક તંત્ર પાસે આ હિંસક શ્વાનો સામે તાત્કાલિક પગલાં લેવાની અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગ કરી રહ્યા છે. આશા છે કે તંત્ર આ ગંભીર સમસ્યા પર ધ્યાન આપીને વહેલી તકે કોઈ ઉકેલ લાવશે, જેથી આવા કરુણ બનાવો ફરી ન બને.