અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો
Amreli Rain : લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાનું પુનરાગમન થયું છે. જન્માષ્ટમીના પાવન પર્વ પર વહેલી સવારથી જ અમરેલી, રાજુલા, સાવરકુંટલા, વિજપડી, જાફરાબાદ, બાબરા, લાઠી, બગસરા, વડિયા સહિતના અમરેલી આસપાસના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વહેલી સવારથી જ ભારે ઉકળાટ અને બફારા બાદ બપોરથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. તો બીજી તરફ ધારીના માધુપુર ચોકડી પાસે પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હતો. જોકે સદનસીબે સ્થાનિકો અને અન્ય વાહનચાલકોની મદદથી તેને બચાવી લેવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લાના ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ વરસતા માધુપુર ડાભાળી ગામે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે. માધુપૂર ચોકડી નજીક પુલ પર સ્થાનિક નદીના પાણી ફરી વળ્યા હતા. પુલ પર વહેતા પાણીના પ્રવાહમાં બાઈક ચાલક પસાર થતા બાઈક ચાલક તણાયો હતો. જો કે, સ્થાનિક લોકોની મદદથી બાઇક ચાલકને બચાવી લેવામાં આવ્યો છે.
વડિયા અને બગસરા પંથકમાં ધોધમાર વરસાદ
વડિયા અને બગસરા પંથકમાં ભારે વરસાદ થયો છે. વડિયા શહેરમાં વરસાદને કારણે શેરીઓમાં પાણી વહેતા થયા છે. વડિયા, કુકાવાવ સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે બગસરા શહેરમાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. લુઘીયા, ચુડાવડ, સાપર, મુજીયાસર જેવા ગામોમાં પણ સારો વરસાદ થતા ખેડૂતો ખુશ થયા છે.
વડિયાના ઢુંઢિયા પીપળીયા ગામમાં બારેમેઘ ખાંગા થતા જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ ખાબક્યો હતો. ગામની બજારોમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગામનું બસ સ્ટેશન અડધું વરસાદી પાણીમાં ગરકાવ થયું હતું. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. રાત્રે વરસાદ ધીમો પડતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જીલ્લાના મોટાભાગના તાલુકામા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
બગસરા પંથકમાં પણ ઘોઘમાર વરસાદ ખાબક્યો હતો. બગસરા શહેરમાં ઘોઘમાર વરસાદથી શેરીઓમાં પાણી વહેતા થયા હતા. લુઘીયા, ચુડાવડ, સાપર અને મુજીયાસર સહિતના ગામ સારો વરસાદ નોંધાયો છે. સારા વરસાદની રાહ જોતા ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
લાઠી અને બાબરામાં પણ મેઘમહેર
લાઠી પંથકમાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જોર પકડ્યું હતું. લાઠી શહેર, દામનગર, રામપર, તાજપર, ભુરખીયા જેવા ગામોમાં પણ સારો વરસાદ થયો છે. બીજી તરફ, બાબરામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. નીલવડા, દરેડ, બરવાળા, ખાખરીયા, જામબરવાળા, ગલકોટડી, માધુપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. શહેરમાં સારો વરસાદ પડતાં બજારોમાં પાણી ફરી વળ્યાં હતાં.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
આ વરસાદથી ખેતરોમાં ઉભા પાકને ફાયદો થશે. સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ધરતીપુત્રોએ આ વરસાદને 'અમૃત' સમાન ગણાવ્યો છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.