અમરેલી ચોકડી પર બોલેરો-બાઈક વચ્ચે અકસ્માત, જાફરાબાદના યુવકનું ઘટનાસ્થળે મોત, એકને ઇજા
Amreli Accident: સવારકુંડલા-અમરેલી ચોકડી રોડ પર આજે સવારે બોલેરો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, જાફરાબાદના મીતીયાળા ગામના રાજુભાઈ ગુણાભાઈ સોલંકી (રહે. મીતીયાળા, તા. જાફરાબાદ) અને અન્ય એક વ્યક્તિ બાઈક પર જાફરાબાદથી અમરેલી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક બોલેરો ગાડી સાથે તેમનો અકસ્માત થયો હતો. બોલેરો ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા રાજુભાઈ ગુણાભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે મૃતક રાજુભાઈ સોલંકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ખાંભા પોલીસે જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.