Get The App

ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપમાં જ અસંતોષ! અમરેલીમાં નારાજ નેતાનું રાજીનામું

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપમાં જ અસંતોષ! અમરેલીમાં નારાજ નેતાનું રાજીનામું 1 - image

Amreli BJP Leader Resigns: ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાન માટે જાહેર કરાયેલા સહાય પેકેજ સામે અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. સાવરકુંડલા તાલુકાના ભાજપના નેતાએ આ પેકેજને 'ખેડૂતોની મજાક' ગણાવીને પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે.

રાજીનામામાં નારાજગીનો સૂર

મળતી માહિતી અનુસાર, સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી, સાવરકુંડલા APMCના ડાયરેક્ટર અને ખડસલી સરપંચ પ્રતિનિધિ ચેતન માલાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને લેખિતમાં પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. તેમના રાજીનામાને કારણે જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે અને સાવરકુંડલામાંથી આ પેકેજ સામે વિરોધનો આ પહેલો સૂર ઉઠ્યો છે.

ચેતન માલાણીએ તેના રાજીનામા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, 2025ની અતિવૃષ્ટિમાં સરકારની વ્હાલા-દવલાની નીતિ અને તબાહ થયેલા ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેર કરાયેલા સહાય પેકેજથી સખત નારાજ છે. આ ઉપરાંત તેણે સહાય પેકેજને 'ખેડૂતોની મજાક સમાન' ગણાવ્યું હતું. ખેડૂત પુત્ર હોવાના નાતે નૈતિકતાના ધોરણે તેમણે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો: સહાય તેમજ ટેકાના ભાવે ખરીદીના નામે ખેડૂતોને ગુજરાત સરકારે ઉઠાં ભણાવ્યાં

સરકારે શું કરી હતી જાહેરાત?

રાજ્યના કૃષિ મંત્રીએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે રાહત પેકેજની વિગતો જાહેર કરી હતી. કૃષિ મંત્રીએ ખેડૂતો માટેના રાહત પેકેજની વિગતો જાહેર કરતાં જણાવ્યું કે, 'કમોસમી વરસાદના કારણે રાજ્યના 16,500 ગામોમાં ખેડૂતોને 44 લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે, જેમાં 9,815 કરોડ રૂપિયાનું પેકેજ છે. જેમાં કોઇપણ ખેડૂત જેને નુકસાન થયું છે તે બાકાત રહેશે નહી. આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા બે હેક્ટરની મર્યાદામાં અપાશે.'