Amreli Accident: અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં વાવડા અને કોટડાપીઠા રોડ વચ્ચે એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં એક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચી છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, બાબરાના વાવડા અને કોટડાપીઠાને જોડતા માર્ગ પર એક બોલેરો પીકઅપ વાહન અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં બાઇક સવાર વિશાલ ખીહડીયા નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતક વાવડા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે હાથ ધરી તપાસ
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે બાબરા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, હજુ સુધી અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.


