અમરેલી ઍરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી: રનવે પરથી નીચે ઉતરી ગયું ટ્રેનિંગ પ્લેન, સદનસીબે જાનહાનિ ટળી

Amreli Airport News: અમરેલીમાં આવેલા ટ્રેનિંગ ઍરપોર્ટ પર ફરી એકવાર મોટી વિમાની દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ છે. અહીં વહેલી સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક વિમાન અચાનક રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. જોકે, રાહતના સમાચાર એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.
પ્લેન રનવે પર સ્લીપ થઈ ગયું
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે અમરેલી ઍરપોર્ટ પર રાબેતા મુજબ ટ્રેનિંગ ચાલી રહી હતી, ત્યારે એક ટ્રેનિંગ પ્લેન રનવે પર આવતાં જ અચાનક સ્લીપ થઈ ગયું હતું અને રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. ઍરપોર્ટ મેનેજરના જણાવ્યા અનુસાર, પ્લેન સ્લીપ ખાવાને કારણે આ ઘટના બની હતી.
સત્તાધીશો દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ
આ ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટીની કામગીરી શંકાના દાયરામાં આવી છે. ઘટના બન્યા બાદ તેને મીડિયા સુધી પહોંચતી અટકાવવા અને વાતને દબાવી દેવા માટે હવાતિયા મારવામાં આવ્યા હતા. ઍરપોર્ટ ઑથોરિટીએ આ અંગે મૌન સેવી લીધું હતું અને વાત છૂપાવી હતી. જોકે, બાદમાં અમરેલીના પ્રાંત અધિકારીએ આ ઘટના બની હોવાની સત્તાવાર પુષ્ટિ કરી હતી.
અગાઉ પાયલોટનું મોત થયું હતું
અમરેલી ઍરપોર્ટ પર રનવે પરથી પ્લેન ઉતરી જવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી દુર્ઘટનાઓ બની ચૂકી છે, જેથી આ બીજી ઘટના છે. ભૂતકાળમાં બનેલી આવી જ એક ગંભીર દુર્ઘટનામાં પ્લેન ક્રેશ થતાં એક પાયલોટનું મોત પણ થયું હતું. વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

