Get The App

અમરેલી: રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલી: રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો 1 - image


Amreli Accident: અમરેલી જિલ્લાના રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી એક અનિયંત્રિત ટ્રક અચાનક નીચે ખાબક્યો હતો. બ્રિજ નીચે પટકાતાની સાથે જ ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ફસાયેલા ટ્રકચાલકનું ઘટનાસ્થળે જ જીવતા ભૂંજાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું.

બ્રિજ નીચે ખાબકતાં જ ટ્રક બન્યો આગનો ગોળો

મળતી માહિતી અનુસાર, રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી પસાર થઈ રહેલો એક ટ્રક કોઈ કારણોસર ચાલકે કાબૂ ગુમાવતા બ્રિજની રેલિંગ તોડીને નીચે ખાબક્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે નીચે પટકાતા જ ટ્રકની ઓઇલ ટેન્ક અથવા એન્જિનમાં બ્લાસ્ટ થતાં આખો ટ્રક જોતજોતામાં આગની લપેટમાં આવી ગયો હતો અને આગનો ગોળો બની ગયો હતો.

આ આગ અને અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા 112ની ટીમ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઇટરોએ સતત 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે ટ્રકચાલકને બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહોતો અને તે કેબિનમાં જ જીવતો ભૂંજાઈ ગયો હતો.

મૃતકની થઈ ઓળખ 

આગ પર કાબૂ મેળવ્યા બાદ પોલીસે ટ્રકમાંથી ચાલકનો કાળી ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ટ્રક ચાલકની ઓળખ અજય ભાલિયા તરીકે થઈ છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ અર્થે રાજુલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ અકસ્માત કયા કારણોસર સર્જાયો, ચાલકને ઝોકું આવી ગયું હતું કે વાહનમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી, તે દિશામાં રાજુલા પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.