પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ, અમરેલીમાં 72 સરપંચની TDOને રજૂઆત

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા ભારે નુકસાન બાદ વળતરની માંગણીને લઈને ખેડૂતો અને સરપંચો મેદાનમાં આવ્યા છે. આ બંને તાલુકાના 72 ગામના સરપંચ એકસાથે ભેગા મળીને સરકાર દ્વારા કરવામાં આવતા ડિજિટલ સર્વેનો વિરોધ નોંધાવ્યો છે. તાલુકા સરપંચ એસોસિયેશનના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને સરપંચ રાજુલા તાલુકા વિકાસ અધિકારી(TDO)ને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
ડિજિટલ સર્વે સામે સરપંચનો આક્ષેપ
રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીને મોટા પાયે નુકસાન થયું છે, પરંતુ સરપંચોએ રાહત સહાયની પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કર્યાં છે. સરપંચોનું કહેવું છે કે, '7 દિવસ પુષ્કળ વરસાદ પડ્યો, રાજુલાનું કોઈ ગામડું એવું નથી કે જ્યાં વરસાદ નહોતો. ડિજિલ સર્વે માટે ના પાડવા પાછળનું કારણ એ છે કોઈ મોટું ગામ હોય, કોઈ સંજોગોમાં ખેડૂત બહાર ગયો હોય અને આજે કરીશું કાલ કરીશું જેના કારણે સરપંચો સામે આક્ષેપ થાય છે. સરકારના ધારાસભ્ય-મંત્રીઓ ફર્યા છે, સરકારને ખબર છે, 4થી 5 જિલ્લામાં વરસાદ પડ્યો છે તો સર્વે કરવાનું મહત્ત્વ શું છે. સરકારને અમારી વિનંતી છે કે ખેડૂતોને સીધી સહાય આપે.'
આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા સ્થગિતઃ કમોસમી વરસાદને કારણે તંત્ર-સાધુ સંતોની બેઠકમાં નિર્ણય
ખેડૂતોના પાકને ભારે નુકસાન
ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે જાણે કાળો કેર વર્તાવ્યો હતો. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોનો કપાસ, મગફળી સહિતનો તૈયાર પાક નિષ્ફળ ગયો છે. આ માવઠાના મારથી જગતનો તાત આજે મુશ્કેલીમાં મૂકાયો છે.

