જામનગરના આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવાયો, મળ્યાં સારા સંકેત
Jamnagar : જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વરતારો જોવાની સદીઓ પુરાણી પરંપરા છે. ગામમાં દર વર્ષે અષાઢ મહિનાનાં પ્રથમ સોમવારે ભમ્મરિયા કૂવામાં રોટલા પધરાવી ચોમાસાના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. વર્ષો જૂની આ પરંપરા અનુસાર આજે આમરા ગામમાં સર્વે ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચના બાદ વરસાદનો વરતારો કરવાની વિધિ સંપન્ન થઇ હતી.
જામનગર તાલુકાના આમરા ગામે અનોખી રીતે વરસાદનો વરતારો કરવામાં આવે છે. ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે ગામના ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. આ દિવસે સમસ્ત ગામના લોકો ભેગા મળી ઢોલ નગારાના તાલે ઉમટી પડે છે. આ વિધિ પૂર્વે આમરા ગામના તમામ મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો વાણંદ સમાજ સભ્યના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે. ત્યાર પછી કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે અને ત્યારબાદ ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે? તેનું અનુમાન કરવામાં આવે છે.
આ વખતે આજે આ પરંપરા નિભાવાઇ હતી. રાજપૂત પરિવારના કિશોરસિંહ રતુભા જાડેજાના દ્વારા સર્વે ગ્રામજનોની ઉપસ્થિતિમાં બે રોટલા પધરાવવામાં આવ્યા હતા. રોટલો કૂવાની વચ્ચોવચ્ચ પડીને પૂર્વ દિશા અને ઈસાન ખૂણા તરફ ગયો હતો. જે અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. આ વર્ષ 14 થી 16 આની વર્ષ રહેશે એટલે કે મોડું વાવેતર છતાં પાછોતરા વરસાદને લઈને વર્ષ સારૂ રહેશે અને મબલખ પાક ઉતરશે. તેવો ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે.