Ammonia Gas leakage in Aravalli: ધનસુરા-બાયડ માર્ગે ખેડા ગામ નજીક આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં મેઈન વાલ્વમાંથી એમોનિયમ ગેસ લીકેજ થતાં જ ખેડા ગામના પ્રજાજનો સહિત આસપાસના લોકોના શ્વાસ રૂંધાતા અને આંખોમાં બળતરા થતાં જ અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ લીકેજ ગેસ આસપાસના પંથકમાં ગામોમાં ફેલાય તે પૂર્વે મોડાસા ફાયર ટીમના જવાનોએ પીપી કીટના ઉપયોગ વડે પાણીનો મારો ચલાવી મેઈન વાલ્વ બંધ કરી સ્થિતિ થાળે પાડી હતી. જોકે આ એમોનિયમ ગેસ લીકેજને લીધે એક બાળકીને સહિત ખેડા ગામના 15થી વધુ અસરગ્રસ્તોને વાત્રક હોસ્પિટલોમાં ખસેડાયા હતા. જોકે સમયસર લીકેજ બંધ કરાતાં આસપાસના 5 થી 9 ગામોના લોકોને આ ગેસની આડ અસરથી બચાવી શકાયા હતા.
અરવલ્લી જિલ્લાના ધનસુરા-બાયડ સ્ટેટ હાઈવે માર્ગે ખેડા ગામની સીમમાં આવેલા રાધે કોલ્ડ સ્ટોરેજમાંથી ગત રવિવારની રાત્રે 7 વાગ્યાની આસપાસ એમોનિયમ ગેસ લીક થતાં અને આ ગેસની વ્યાપક અસરને લઈ આસપાસના ગામોના લોકોને આંખોમાં બળતરા સહિત શ્વાસ રૂંધાવાની અસર વર્તાતાં જ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. રાધે કોલ્ડ સ્ટોરેજમાંથી થયેલા એમોનિયમ ગેસ લીકેજની જાણ થતાં મોડાસા ફાયર વિભાગને જાણ કરાઇ હતી.
ફાયર ઓફીસર હેમરાજસિંહ વાઘેલા સહિત 5 જવાનોની ટીમ અને રેસ્ક્યુ વાન તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર જવાનો દ્વારા આ ગેસ લીકેજનો પ્રશ્ન હલ કરવા પીપીકીટનો ઉપયોગ કરાયો હતો. અને વજનમાં હલકા એવા એમોનિયમ ગેસને કાબુમાં લેવા જોરદાર પાણીનો મારો ચલાવી મેઈન વાલ્વ ઓપેટર દ્વારા બંધ કરાયો હતો. જોકે આ ગેસ લીકેજની સમસ્યા હલ થાય તે પૂર્વે આસપાસના ખેડા, નવાખેડા, રોહિતનગર, કામલી સહિતના પંથકમાં તેની અસર વર્તાવા માંડી હતી.
અસરગ્રસ્તોને આંખમાં બળતરા, શ્વાસ રૂંધાવા સહિતની આડઅસરથી અસરગ્રસ્ત 50 થી 60 લોકો પૈકી એક નાની બાળકી સહિત 15થી વધુ લોકોને વાત્રક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. આ ઘટના છતાં કોલ્ડ સ્ટોરેજના માલિકો મોડે સુધી નહી ફરકતા અને તંત્રમાંથી માત્ર પોલીસ જ ઘટના સ્થળે આવતાં ગ્રામજનોમાં ભારે રોષ વર્તાયો હતો અને હલ્લાબોલ કર્યો હતો. જિલ્લામાં ઠેર ઠેર તાણી બંધાયેલા કોલ્ડ સ્ટોરેજોમાં જરૂરી સલામતીના સદંતર અભાવની સામે જોખમી બની રહેતા આ કોલ્ડ સ્ટોરેજોમાં સમયાંતરે જરૂરી મેન્ટેનન્સ સહિતની તકેદારી દાખવવામાં આવે તેવી માંગ ઉઠી હતી. જયારે તંત્રની નઘરોળ નિતી સામે પણ પ્રજાજનોમાં ભારે રોષ વર્તાયો હતો.
જિલ્લામાં એમોનિયમ ગેસ કોલ્ડ સ્ટોરેજમાંથી લીક થવાની એક મહિનામાં બીજી ઘટના
અરવલ્લી જિલ્લામાં બટાકાના વધુ ઉત્પાદનને લઈ ઠેર ઠેર કોલ્ડ સ્ટોરેજ ઉભા કરાયા છે. આ કોલ્ડ સ્ટોરેજમાં એરકન્ડીશનર વાતાવરણ માટે એમોનિયમ ગેસનો ઉપયોગ કરાય છે. જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજના માલિકો, સંચાલકો દ્વારા તકેદારી નહી દાખવતાં ગેસ લીકેજની બીજી ઘટના એક મહિનામાં નોંધાઈ છે. ફાયર વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ ધનસુરા તાલુકાના રમોસ ગામ નજીક આવેલા આશાપુરા કોલ્ડ સ્ટોરેજમાં મોડી રાત્રે ગેસ લીકેજ થતાં ફાયર ટીમ મોડાસાએ ભારે મહેનત બાદ નિયંત્રણ મેળવ્યું હતું.
એમોનિયમ વાયુ વધુ પડતો શ્વાસમાં જવાથી વ્યક્તિ કોમામાં જઈ શકે છે
એમોનિયમ એ એમોમિયાનું સંશોધન સ્વરૂપ છે. મોટેભાગે કોલ્ડ સ્ટોરેજ સહિત અન્ય એકમોમાં ભારે ઠંડકભર્યા વાતાવરણ જેવા એમોમિયા ગેસનો ઉપયોગ કરાય છે. પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં જરૂરી મેઈન્ટેન્સના અભાવે આ ગેસ લીકેજની ઘટનાઓ બને છે. એમોનિયમ વાયુ હલકો વાયુ છે. જેની આડ અસરોમાં આંખે બળતરા થવી, શ્વાસ રૂંધાવો, શ્વાસોશ્વાસની ક્રિયા અતિ પ્રભાવિત થવી અને કેટલીકવાર ચક્કર ખાઈ પડવાથી માંડી વધુ પડતાં એમોનિયમ વાયુ શ્વાસમાં જવાથી વ્યક્તિ કોમામાં જઈ શકે છે એમ ફાયર ઓફિસર તેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.


