Mining Mafia Erases Heritage: ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાઓનો પ્રારંભ જ્યાંથી થાય છે તેવા ઈડર પાસેના લાલોડા ગામનો એક ઐતિહાસિક પહાડ આજે માત્ર સરકારી કાગળ પર રહી ગયો હોય તેમ લાગે છે. જે પહાડ પર બેસીને બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને પોતાની યાદગાર પળો વિતાવી હતી, તે આજે ગેરકાયદેસર ખનનને કારણે એક ઊંડા ખાડામાં ફેરવાઈ ગયો છે.
'કભી કભી' ગીત અને લાલોડાનો નાતો
વર્ષ 1999માં અમિતાભ બચ્ચને તેમના પ્રખ્યાત મ્યુઝિક આલ્બમ 'કભી કભી'ના શૂટિંગ માટે ઈડરના લાલોડા ગામની પસંદગી કરી હતી. અમિતાભ બચ્ચને આ પહાડોના પથ્થરો પર બેસીને 'કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ' ગીતનું શૂટિંગ કર્યું હતું. તે સમયે આ પહાડો કુદરતી કલાના ઉત્તમ નમૂના સમાન હતા, જે પ્રકૃતિ પ્રેમીઓ અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતા. જ્યારે શૂટિંગ ચાલતું હતું ત્યારે હજારોની સંખ્યામાં લોકો અમિતાભ બચ્ચનને જોવા માટે લાલોડા ગામમાં ઉમટી પડ્યા હતા.
ખનન માફિયાઓનો કહેર અને રાજકીય વગ
સ્થાનિક અહેવાલો અનુસાર, ઈડરનો આ સુંદર પહાડ થોડા જ વર્ષોમાં ખનન માફિયાઓનો ભોગ બન્યો છે. જ્યાં એક સમયે કેમેરા ફરતા હતા અને ગીતો રૅકોર્ડ થતા હતા, ત્યાં આજે માત્ર પથ્થરો કાપી નાખવામાં આવતા મોટા ખાડાઓ જોવા મળે છે.
તે સમયે ત્યાંના રાજકારણમાં સ્થાનિક ધારાસભ્ય અને તત્કાલીન શિક્ષણ મંત્રી રમણલાલ વોરાનું વર્ચસ્વ ખૂબ ચર્ચામાં હતું. આરોપ છે કે સ્થાનિક રાજકારણ અને માફિયાઓની મિલીભગતના કારણે આ સંપદાને ભારે નુકસાન થયું છે.
સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ
અરવલ્લીના પહાડોને બચાવવા માટે ડિસેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે મહત્વના નિર્ણયો લીધા છે. કોર્ટે 100 મીટરથી વધુ ઊંચાઈવાળા પહાડોને જ અરવલ્લી ગણવાના અગાઉના વિવાદાસ્પદ નિર્ણય પર સ્ટે આપ્યો છે અને નવી સમિતિ બનાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી અરવલ્લીના બચેલા પહાડોના સંરક્ષણ માટે આશાનું કિરણ જાગ્યું છે.


