Updated: Mar 18th, 2023
કલોલ, 18 માર્ચ 2023 શનિવાર
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કલોલ તાલુકાના નારદીપુરમાં હનુમાન તળાવ-ઉદ્યાનનું લોકાર્પણ તેમજ વાસણ તળાવ અને કલોલના વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઈ-લોકાર્પણ કર્યું હતું. તળાવના વિકાસથી નારદીપુર તેમજ આસપાસની પ્રજાને હરવા ફરવા માટે એક નવું સ્થળ મળ્યું છે.
તળાવ સાચવવાની જવાબદારી સોંપવાની વાત કહી
કલોલના નારદીપુર ગામમાં તળાવના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તળાવને 4.33 કરોડના ખર્ચે પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ તળાવમાં બોટિંગ તેમજ બાળકોને રમવા માટે સાધનો મુકવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે. અમિત શાહે શનિવારે તળાવ અને ઉદ્યાનની મુલાકાત લઈ લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે ગામના વડીલોની આગેવાનીમાં યુવાનોની ટીમ બનાવી તળાવ સાચવવાની જવાબદારી સોંપવાની વાત કહી હતી.
સરકારની તમામ યોજના પ્રજા માટે હોય છે
લોકાર્પણ પ્રસંગે તેમણે નારદીપુરના ગ્રામજનોને સંબોધીને તેમણે કહ્યું હતું કે સરકારની તમામ યોજના પ્રજા માટે હોય છે. ગામમાં કોઈ સરકારી યોજનાના લાભથી વંચિત ન રહી જાય તે જોવું જરૂરી છે. કોઈ મહિલાને સહાય ન મળતી હોય તો તેને શોધજો અને પોસ્ટકાર્ડ નાખશો તો અઠવાડિયાની અંદર સહાય મળી જશે તેમ તેઓએ કહ્યું હતું.
વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરી
નારદીપુરના તળાવને સાચવવાની જવાબદારી ગ્રામજનોની છે તેમજ હરિયાળું બનાવવા વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી. ગામની લાઈબ્રેરીના નવીનીકરણ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના ધારાસભ્યો,રાજકીય પદાધિકારીઓ,હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.