દેશ ભક્તિના માહોલ વચ્ચે શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ
યાત્રાનો રૃટ તિરંગી બન્યો : વાજતે ગાજતે નીકળેલી યાત્રામાં ભારત માતાનો જયજયકાર
વડોદરા,દેશભરમાં તા.૧૩ થી ૨૫ સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે. જેમાં આજ રોજ વડોદરા શહેરમાં દેશભક્તિના માહોલ સાથે વાજતેગાજતે ભારત માતાની જયજયકાર ગજવતા સૂત્રો વચ્ચે તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રાએ તેના રૃટ પર તિરંગી માહોલ સર્જી દીધો હતો.
ભારતીય સેનાના 'ઓપરેશન સિંદૂર' અંતર્ગત દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોના સન્માન અને તિરંગાના ગૌરવને આ યાત્રા સમર્પિત કરવામાં આવી રહી છે.
વડોદરામાં સાંજે આરાધના સિનેમા પાસેથી ગુજરાત વિધાન સભાના મુખ્ય દંડકે લીલી ઝંડી બતાવીને યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. યાત્રા સલાટવાડા, કોઠી ચાર રસ્તા, રાવપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદી પોળ થઈ જ્યુબિલીબાગ ખાતે સમાપ્ત થઈ હતી. સમગ્ર માર્ગ પર હાથમાં તિરંગા ફરકાવતા લોકોએ ''ભારત માતા કી જય'', ''વંદેમાતરમ'', જેવા ગગનઘોષ કરી દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો. આ યાત્રામાં એનસીસી કેડેટસ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, માજી સૈનિકો, શહેરીજનો વગેરે સામેલ થયા હતા અને એક જ સ્વરે દેશની એકતા, અખંડતા અને સેનાના સાહસને નમન કર્યા હતા. કાર્યક્રમના અંતે ''ઓપરેશન સિંદૂર''માં શહીદ થયેલા પાંચ વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપી હતી. આ તિરંગા યાત્રા માત્ર સેનાના બલિદાનને યાદ કરવાનો અવસર સમાન બની રહેવા ઉપરાંત નાગરિકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને સશક્ત બનાવી હતી.
આ યાત્રાએ ફરી એકવાર બતાવી દીધું છે કે દેશનો દરેક નાગરિક સેના સાથે ઊભો છે અને તિરંગાના સન્માન માટે એક છે.