Gujarat

અમેરિકાના આકરા ટેરીફથી સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાનો મત્સ્યોદ્યોગ ભાંગી પડશે

By GS TEAM
27 Aug 20252 mins read
અમેરિકાના આકરા ટેરીફથી સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાનો મત્સ્યોદ્યોગ ભાંગી પડશે

દર વર્ષે 1200 કરોડની માછલી અને 300 કરોડના ઝીંગાની અમેરિકામાં નિકાસ : વેરાવળ, પોરબંદર અને માંગરોળના દરિયા કાંઠેથી કરોડો રૂપિયાની માછલીની નિકાસ ઉપર ટેરીફની વિપરિત અસરની સંભાવના; 50   ટકા ટેરીફનો મુદ્દો ચિંતાજનક

રાજકોટ,વેરાવળ :  અમેરિકાએ ટેરિફ દરોનો અમલ શરૂ કરતા જ ભારતીય મત્સ્યોદ્યોગ નિકાસકારો મુંઝવણમાં મુકાઈ ગયા છે કારણ કે અમેરિકાએ ઝીંગા અને ભારતીય માછલી પર 50 ટકા આકરી ટેરિફ ડયુટી લાદી દેતા નિકાસને મોટો ફટકો પડવાનો અંદેશો મળી ગયો છે.કારણ કે ગુજરાતમાંથી અમેરિકામાં દર વર્ષે 1200 કરોડના ઝીંગા અને 400 કરોડની માછલીની અમેરિકામાં નિકાસ થાય છે. આકરી 50 ટકા ટેરિફ ઉપરાંત ભારતીય ભાવોએ અમેરિકી ગ્રાહક માલ લેશે કે કેમ એ પણ નિકાસકારોને સમસ્યા લાગી રહી છે.   વેરાવળ વિસ્તારના માછલી નિકાસકાર અને સી ફૂટ એકસપોર્ટ એસોસિએશનનાના જણાવ્યા મુજબ દેશમાં 1600 કિલોમીટર સાગર કાંઠો ધરાવતા ગુજરાત રાજ્યમાં એકલા ગિર સોમનાથ જિલ્લો 110 કિલો મીટરનો સમુદ્ર વિસ્તાર ધરાવે છે. ગુજરાતમાંથી દર વર્ષે પાંચ હજાર કરોડની માછલીની નિકાસ થાય છે તેમાંથી એકલા વેરાવળનો હિસ્સો ત્રણ હજાર કરોડનો છે. અહીંથી ચીનમાં રીબનફીશ, ક્રોકર, થાઇલેન્ડમાં ઇન્ડિયન મેકલ, યુરોપના દેશોમાં સ્કવીડ જાતની માછલીની જંગી પ્રમાણમાં નિકાસ થાય છે. જયારે અમરિકામાં દર વર્ષેે 1200 કરોડના ઝીંગા અને 300થી 400 કરોડની માછલીની નિકાસ થાય છે. એક બાજુ  માલ મોકલવાના  ફ્રેઈટ રેઈટ ખૂબજ ઉંચા છે અને એમાં યે બાકી રહેતું હોય એમ  અમેરિકાએ ટેરિફ બોમ્બ ફોડી અમલીકરણ શરૂ કરી  ભારતીય માછલી અને ઝીંગા પર 50 ટકા ટેરિફ ઝીંકી દેતા ભારતીય નિકાસકારોને મોટી સમસ્યા અને અવઢવ પેદા થઈ છે.અમેરિકા દેશ ભારત પાસેથી મોટો ખરીદદાર દેશ છે.હવે નિકાસ માટે બીજા વિકલ્પો શોધવા પડશે.  ભારતમાં 40 ટકા ઝીંગા ઉત્પાદન સુરત,વલસાડ, દીવ,ઉના, જામનગર,ભાવનગર, ગીરસોમનાથ જિલ્લો છે. દર વર્ષે આશરે એક હજારથી લગભગ 1200 કરોડના ઝીંગા અમેરિકામાં નિકાસ થતા હતા. વેરાવળ, પોરબંદર,માંગરોળથી જંગી જથ્થામાં માછલીની નિકાસ થાય છે. હવે ટેરિફના દર વધવાના કારણે અમેરિકી ગ્રાહકને વધુ ભાવ ચૂકવવો પડે એવી સ્થિતિ સર્જાઈ છે. જે ટેરિફ ઉમેરેલા ભાવ અમેરિકી ગ્રાહક પચાવી શકશે કે કેમ એ સવાલ ખડો થયો છે. દેશમાંથી  આવી જ રીતે  તામીલનાડું, બંગાળ, ઓડિસા,મહારાષ્ટ્રના 150 જેટલા  નિકાસકારો મૂંઝવણમાં મુકાયા છે.