અમદાવાદ પ્લેન ક્રેશમાં અમેરિકન વકીલની ચોંકાવનારી થિયરી, બ્લેક બોક્સનો ડેટા માંગ્યો
Ahmedabad Plane Crash : અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 270 જેટલાં લોકોના મૃત્યુ નીપજ્યા હતા. સમગ્ર મામલે પીડિત પરિવારે યુએસ ફેડરલ કોર્ટમાં અરજી કરી હતી. ભારત અને યુકેના પીડિતોના પરિવારોએ ન્યાય માટે અમેરિકા સ્થિત લૉ ફર્મ બસ્લી એલનની નિમણૂક કરી હતી. જેમાં અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા અમેરિકન લોકાના પરિવારોના વકીલે વિમાન દુર્ઘટનાને લઈને ચોંકાવનારી થિયરી રજૂ કરી છે. અમેરિકન વકીલનું કહેવું છે કે, 'નવા પુરાવાના આધારે સંકેત મળે છે કે વિમાનની પાણીની ટાંકીમાં લીક હતું. જેના કારણે શોર્ટ સર્કિટ થવાથી આખી દુર્ઘટના સર્જાઈ હતી.'
અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે અમેરિકન વકીલ માઈકલ એન્ડ્રુઝે અમેરિકન કાયદા હેઠળ આવેદન દાખલ કરીને બ્લેક બોક્સના ડેટાની માંગણી કરી છે. જ્યારે અમેરિકન વકીલે દાવો કર્યો છે, પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પાયલોટની કોઈ જ પ્રકારે ભૂલ નથી. અમેરિકન વકીલે દાવો કર્યો કે, પાણી લીકેજ હોવાથી શોર્ટ સર્કિટ થયું અને જેના કારણે ઇંધણ નિયંત્રણ સ્વિચ જાતે જ બંધ થઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા
અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા જારી કરાયેલા ઉડ્ડયન સંબંધિત સૂચનોનો ઉલ્લેખ કરીને અમેરિકન વકીલે જણાવ્યું હતું કે, વિમાનની વોટરલાઇન કપલિંગમાંથી પાણી લીકેજના ઘણા કેસ સામે આવ્યા છે. જેમાં લીકેજના કારણે ઈલેક્ટ્રોનિક ઉપકરણોને ભીંજાવાની શક્યતા છે, જેનાથી શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે.