app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

AMCના ગાર્ડન વિભાગના ડાયરેક્ટરનો દાવો, નર્સરીમાં ગાંજાનો છોડ જાતે જ ઉગ્યો છે કોઈએ વાવ્યો નથી

આ પ્રકારના છોડ ચોમાસાની ઋતુમાં એની જાતે આપો આપ ઉગી નીકળતા હોય છેઃ ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલ

Updated: Aug 8th, 2023



અમદાવાદઃ રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પણ ગાંજાના છોડ મળી આવતાં અનેક સવાલો ઉભા થયાં છે. હજી આ મુદ્દો ચર્ચાઓમાં છે ત્યાં જ AMCની નર્સરીમાં ગાંજાના ચારથી પાંચ ફૂટ ઉંચા છોડ મળી આવ્યાં છે. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં જ આ નર્સરી આવેલી છે અને તેમાંથી ગાંજાના છોડ મળતાં જ તંત્રના બગીચા વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયાં છે. ત્યારે ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલે સત્તાવાર જવાબ આપતા દાવો કર્યો છે કે, ગાંજાનો છોડ જાતે ઉગ્યો છે કોઈ વ્યક્તિએ વાવેતર નથી કર્યું. ચોમાસાની ઋતુમાં આ પ્રકારના છોડ ઉગે છે. 

ગાંજાનો આ છોડ જમીનમાં એની જાતે ઉગી નીકળ્યાનો દાવો

AMCના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલે દાવો કર્યો હતો કે, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આ નર્સરીની અંદર ગાંજાનો આ છોડ જમીનમાં એની જાતે ઉગી નીકળેલ મળી આવ્યો છે. આનું કોઈ ઈરાદાપૂર્વક વાવેતર કરેલું હોય તેવું નથી. આ પ્રકારના કોઈપણ છોડ જ્યારે મળી આવે તો ઈરાદાપૂર્વક વાવેતર કરેલું હોય તે અથવા તે આપમેળે ઉગી નીકળે એમાં અંતર એ છે કે, બહારથી કોઈ છોડ મંગાવવામાં આવ્યા હોય તેની જે માટી હોય તે અથવા પક્ષીઓની ચરક દ્વારા કોઈપણ છોડના બીજ જમીનમાં પડતા હોય છે અને આ ચોમાસાની ઋતુમાં ભેજવાળુ વાતાવરણ થાય ત્યારે એની જાતે આપો આપ ઉગી નીકળતા હોય છે. ગાંજાના છોડને શરૂઆતના સમયમાં ઓળખવો ખૂબ અઘરો હોય છે. કારણ કે ગલગોટાનો છોડ પણ એને મળતો આવતો હોય છે. ગાંજાનો છોડ ત્રણ ફૂટ કરતાં મોટો થાય તો અથવા તો ખેતી સાથે સંકળાયેલ હોય તે ખેડૂત જ તેને શરૂઆતના સમયમાં ઓળખી શકે છે. સામાન્ય વ્યક્તિ માટે ગાંજાના છોડને શરૂઆતના સમયમાં ઓળખવો ખૂબ અઘરો હોય છે. 

AMCની સૌરભ નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળ્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના વિજય ચાર રસ્તા નજીક આવેલી AMCની સૌરભ નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળ્યા છે. ગાંજાના જાહેરમાં વાવેતર મુદ્દે જ્યારે નર્સરીના સંચાલક મંતરાજભાઈએ મીડિયાના સવાલના જવાબમાં કહ્યું હતું કે, ગાંજાનાં છોડ એની મેળે ઉગે છે.ગુજરાત યુનિવર્સિટીથી ખૂબ જ નજીક રહેણાંક વિસ્તારમાં આવેલી નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળી રહ્યા છે. નર્સરીની સામે આવેલા ગાર્ડનમાં દરરોજ સવારે ઘણા લોકો મોર્નિંગ વોક કરવા માટે આવે છે. વડીલો સાંજે ગાર્ડનમાં બેસવા માટે આવે છે. ત્યારે આ નર્સરીમાં અનેક ગાંજાના છોડ ઉગ્યા છે. પોલીસ આ મુદ્દે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એ સૌથી મોટો સવાલ છે. 

Gujarat