Get The App

સેવન્થ ડે સ્કૂલને આપેલો પ્લોટ AMC પરત લેશે, વિદ્યાર્થીની હત્યા બાદ આપેલી ત્રણ નોટિસ છતાં ખુલાસો ન થતાં કાર્યવાહી

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
સેવન્થ ડે સ્કૂલને આપેલો પ્લોટ AMC પરત લેશે, વિદ્યાર્થીની હત્યા બાદ આપેલી ત્રણ નોટિસ છતાં ખુલાસો ન થતાં કાર્યવાહી 1 - image

Image Source: IANS

Seventh Day School News: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા થયા બાદ શાળાની જમીન અને મંજૂરીને લઈને સર્જાયેલા વિવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા દ્વારા લીઝની શરતોના ભંગ બદલ AMC દ્વારા ભાડાપટ્ટે આપવામાં આવેલો પ્લોટ પરત લેવા માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

TP કમિટીમાં પ્લોટ પરત લેવાનો નિર્ણય

25 નવેમ્બરના રોજ મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠકમાં સેવન્થ ડે સ્કૂલને આપવામાં આવેલો પ્લોટ પરત લેવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. TP કમિટીના ચેરમેન પ્રીતિશ મહેતાએ જણાવ્યું હતું કે, 'સ્કૂલને લીઝની શરતોનો ભંગ કરવા સહિતના વિવિધ મામલે અત્યાર સુધીમાં ત્રણ વાર શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી, તેમ છતાં સ્કૂલના સંચાલકો તરફથી કોઈ સંતોષકારક જવાબ કે જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી.'

આ પણ વાંચો: બોડકદેવમાં ફાયરિંગ કેસમાં નાસતા ફરતા બે આરોપીઓ ઉજ્જૈનથી ઝડપાયા, રિવોલ્વર અને 10 જીવતા કાર્ટીઝ જપ્ત

C.O.P. પ્રોસિજર હેઠળ કાર્યવાહી

સેવન્થ ડે સ્કૂલ તરફથી કોઈ ખુલાસો ન મળતા હવે AMC સત્તાવાર રીતે આ મામલે કાનૂની કાર્યવાહી આગળ વધારશે. અધિકારીએ જણાવ્યા મુજબ, AMC એસ્ટેટ વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયામાં સેવન્થ ડે સ્કૂલના સંચાલકોને કોમ્પીટન્ટ ઓફિસર્સ પ્રોસીડિંગ્સ હેઠળ નોટિસ ફટકારવામાં આવશે. AMC દ્વારા શાળાને અપાયેલી છેલ્લી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, જો 21 નવેમ્બર સુધીમાં એસ્ટેટ વિભાગ સમક્ષ કોઈ ખુલાસો કરવામાં નહીં આવે, તો શરતોના ભંગ બદલ પ્લોટની ફાળવણી અને ભાડાપટ્ટાનો કરાર રદ કરવામાં આવશે. સંચાલકોએ આ સમયમર્યાદામાં પણ કોઈ ખુલાસો રજૂ ન કરતાં, કોર્પોરેશને હવે પ્લોટ પરત લેવા માટે પગલાં લેવાનો નિર્ણય લીધો છે.

TP કમિટીના નિર્ણય બાદ હવે C.O.P.ની કાનૂની કાર્યવાહી શરૂ થશે. આ પ્રોસીડિંગ્સ હેઠળ સ્કૂલના સંચાલકોને તેમનો પક્ષ રજૂ કરવાની અંતિમ તક આપવા માટે સુનાવણી પણ હાથ ધરવામાં આવશે. આ સુનાવણીમાં સંચાલકો દ્વારા આપવામાં આવેલા ખુલાસા સંતોષકારક નહીં જણાય તો, AMC દ્વારા ભાડાપટ્ટાનો કરાર કાયમી ધોરણે રદ કરીને સ્કૂલને આપવામાં આવેલો પ્લોટ પરત મેળવી લેવામાં આવશે.

આ પણ વાંચો: વડોદરાના બહુચરાજીરોડ પરના ગેરેજો ઉપર પોલીસનો સપાટો, વાહનોનું રજીસ્ટર નહીં રાખનાર 10ની ધરપકડ