અમદાવાદ શહેરમાં એક કિલોમીટરનો રોડ બનાવવાનો ખર્ચ 4 કરોડથી 24 કરોડ! પ્રજાના પૈસાનો ધૂમાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Road Construction in Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના શાસકો પાસે કોઈ વિઝન જ નથી. કારણ કે દરેક નવું કામ શરૂ થાય ત્યારે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના વિઝન અનુસાર જેતે કામનું આયોજન થઈ રહ્યું હોવાનો ઉલ્લેખ ચોક્કસ થાય છે. સામાપક્ષે અમદાવાદને વિશ્વકક્ષાનું શહેર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ છુટ્ટાહાથે ગ્રાન્ટ આપી રહી છે. ત્યારે પ્રજાએ ભરપાઈ કરેલા વેરા અને આ ગ્રાન્ટનો કેવો ઉપયોગ થાય છે? તેની વિગતો સામે આવી છે. અમદાવાદ શહેરમાં રસ્તા બનાવવાનો એક કિ.મી.નો ખર્ચ 4 કરોડ રૂપિયાથી માંડીને 24 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે.
રસ્તાના નામે દર વર્ષે 2 હજાર કરોડ રૂપિયા વપરાઈ છે
અમદાવાદ મ્યુનિસિપલના આગામી વર્ષના બજેટમાં 250 કરોડ રૂપિયાના ખર્ચે આઠ આઈકોનિક રોડ સહિત સ્પોટ્ર્સ, એજ્યુકેશન, હેરિટેજ વગેરે થીમ આધારિત તથા ખારીકટ કેનાલ રોડ, વ્હાઈટ ટોપિંગ રોડ, નોર્થ સાઉથ કોરિડોર, રોડ ફોર બેટર સિટી, એસજી હાઈવેનું ડેવલપમેન્ટ વગેરે માટે 1540.73 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં સ્થાયી સમિતિએ થોડો વધારો કર્યો છે. આ નવા રોડ સિવાય સમારકામની રોજિંદી કામગીરીમાં પણ કરોડો રૂપિયા વપરાશે. એક અંદાજ અનુસાર અમદાવાદમાં રસ્તાના નામે દર વર્ષે બે હજાર કરોડ રૂપિયા વપરાઈ રહ્યા છે.
આ પણ વાંચો: હોમગાર્ડ જવાનોની સેવા એ માનદ્, પોલીસ જેવા પગાર-લાભ ન મળી શકે: ગુજરાત હાઈકોર્ટ
વધુ રકમ વપરાય તો વધારે વિકાસ થાય, તેવા ઉઠાં સામાન્ય શહેરીજનોને ભણાવવામાં આવે છે. પરંતુ ખરો ખેલ કંઈક અલગ જ છે. ખુદ મ્યુનિસિપલે જ તેના બજેટમાં જાહેર કરેલા આંકડા અનુસાર ગત નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન બીટ્યુમીન્સ, વ્હાઈટ ટોપિંગ અને આઈકોનિક રોડ બનાવવા માટે પ્રતિ કિલોમીટર દીઠ 4 કરોડ રૂપિયાથી માંડીને 24 કરોડ રૂપિયા સુધીનો અધધ ખર્ચ કરાયો છે. આઈકોનિકના નામે માત્ર એક કિમીનો રોડ બનાવવા 23.98 કરોડ રૂપિયાની રકમ ચૂકવાઈ રહી છે. આ આંકડા જોઈને શહેરીજનો પોતે પણ સાદુ ગણીત સમજી શકે છે કે, અમદાવાદ મ્યુનિસિપલમાં શું ચાલી રહ્યું છે.

24 કરોડ પ્રતિ કિ.મી.ના ખર્ચવાળા આઈકોનિક રોડ
•ઈસ્કોનથી પકવાન જંક્શન
•વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ
•વિસત સર્કલથી તપોવન સર્કલ
•પાલડીથી વાડજ સર્કલ
•નરોડા મુક્તિધામથી દહેગામ જંક્શન
•સરખેજમાં દા મંદિર કનેક્ટિંગ કોરિડોર
•જોધપુરમાં ઝવેરી સર્કલથી એસપી રિંગરોડ
કરોડોના આંધણ પછી ગણતરીના દિવસોમાં ખોદાઈ જતો નવો નક્કોર રોડ
આટલી તોતિંગ રકમ ખર્ચીને પણ આયોજન વગર અણધડ રીતે બનાવવામાં આવતા રસ્તા ગણતરીના દિવસોમાં ખોદી નાંખવામાં આવે છે. ડ્રેનેજ, પાણી, કેબલ સહિતની કામગીરી માટે નવા નક્કોર રોડ ખોદાતા હોવાના દ્રશ્યો અમદાવાદના દરેક વિસ્તારમાં નાગરિકોએ પોતે પણ નિહાળ્યા હશે.









