Get The App

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ સાવધાન! ₹2.52 કરોડનો ટેક્સ બાકી હોવાથી કોર્પોરેશને 16 મિલકતોની કરી હરાજી

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ સાવધાન! ₹2.52 કરોડનો ટેક્સ બાકી હોવાથી કોર્પોરેશને 16 મિલકતોની કરી હરાજી 1 - image


AMC Legal Action: અમદાવાદ શહેરના વિકાસ અને નાગરિક સેવાઓની સુવ્યવસ્થા માટે આવકના મહત્ત્વપૂર્ણ સ્ત્રોત રૂપે પ્રોપર્ટી ટેક્સની સમયસર વસૂલાત અનિવાર્ય હોય છે. અમદાવાદ શહેરમાં બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત સુનિશ્ચિત કરવા તથા કરચોરી અટકાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોન પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કાયદેસર અને પારદર્શક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આ કાર્યવાહી અંતર્ગત લાંબા સમયથી બાકી રહેલી પ્રોપર્ટી ટેક્સની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેલી મિલકતો સામે હરાજીની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે, જેના માધ્યમથી ટેક્સ વસૂલાત અને નાગરિક જવાબદારી બંનેને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદનના ઉત્તર ઝોન અને મધ્ય ઝોનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાતના ભાગરૂપે વિવિધ મિલકતો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ અનુસંધાને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉત્તર અને મધ્ય ઝોનના કેટલાક વિસ્તારોમાં આવતી મિલકતોમાં આજદિન સુધી હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. 

જેમાં ઉત્તર ઝોનમાં મેઘાણીનગર, નરોડા રોડ, કુબેરનગર-નરોડા, મહાપ્રભુજી બેઠક પાસે - નરોડા રોડ, નેશનલ હાઇવે નં - 8, સરસપુર, ભીડભંજન હનુમાન પાસેના વિસ્તારોની 10 મિલકતો અને મધ્ય ઝોન ઘી-કાંટા રોડ, શાહીબાગ રોડ, દરિયાપુર અને ચામુંડા બ્રિજ પાસેના વિસ્તારોની 6 મિલકતોની હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરી રૂ. 1/- ટોકનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક લીધી હતી. 

ઉત્તર ઝોનની 10 મિલકતોનાં કબજેદારો પાસેથી અંદાજિત બાકી ટેક્સની રકમ રૂ.62,45,875 જેટલી હતી. જ્યારે મધ્ય ઝોનની 6 મિલકતોના કબજેદારો પાસેથી અંદાજિત બાકી ટેક્સની રકમ રૂ.1,89,87,061 જેટલી હતી. તેનાં આધારિત વેલ્યુએશન દ્વારા આપેલ કિંમત મુજબ મધ્યઝોનની 6 મિલકતો માટે હરાજી માટે અલગ-અલગ કિંમત નક્કી કરવામાં આવી હતી, જેની નક્કી કરેલ કુલ કિંમત રુ. 5,97,82,390 જેટલી હતી. 

પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ ભરપાઈ કરવા માટે સંબંધિત મિલકતધારકોને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં બાકી રકમ ન ચૂકવતા, એ.એમ.સી. ઍક્ટ–1949ના વિભાગ 1ના પ્રકરણ 8ના નિયમ અનુસાર અંતિમ રીમાઇન્ડર નોટિસ આપ્યા બાદ પણ ટેક્સ ભરપાઈ ન થતાં, કલમ 42 અને 43 મુજબ મિલકત જપ્તીની કાર્યવાહી માટે વોરન્ટ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત કલમ 45(1) અનુસાર પગલાં લઈને નિયમ 47 મુજબ મિલકતની હરાજી કરવા મ્યુનિસિપલ કમિશ્નરની મંજૂરી લઈ અખબારમાં હરાજીની જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી હતી. ત્યારબાદ નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ બોલી પ્રાપ્ત થઈ નહોતી.

આ મિલકતો માટે કચેરીના અધિકારીઓ, ટેક્સ કલેક્ટર, લીગલ ઑફિસર તેમજ અન્ય જાહેર અધિકારીઓની હાજરીમાં રૂ. 1/- ટોકન પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક કરવામાં આવી છે અને મિલકતની હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરી રૂ. 1/- ટોકનથી એએમસીના નામે કરવામાં આવી છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ મિલકત માલિકો અને કબજેદારોને પોતાની બાકી પ્રોપર્ટી ટેક્સની રકમ સમયસર ચૂકવવા અપીલ કરવામાં આવી છે. જો સમયસર પ્રોપર્ટી ટેક્સની ભરપાઈ કરવામાં નહીં આવે તો સંબંધિત મિલકતોની હરાજી કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેવી સ્પષ્ટ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.