Ahmedabad News : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ આગામી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને મોટા પાયે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના બીજા તબક્કામાં સાબરમતી વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ આસારામ આશ્રમ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને(AMC) કમર કસી છે.
₹500 કરોડની સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો
સાબરમતી વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જમીન પર આવેલો છે. જેની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સર્વે દરમિયાન માલૂમ પડ્યું હતું કે આ આશ્રમમાં 32 જેટલા ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા છે. AMCના પશ્ચિમ ઝોન દ્વારા આ દબાણો દૂર કરવા માટે અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી.
ઇમ્પેક્ટ ફીની અરજી ફગાવી, હવે કોર્ટમાં લડાઈ
આશ્રમ સંચાલકોએ આ ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફી (Impact Fee) હેઠળ મંજૂરી મેળવવા અરજી કરી હતી, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અરજીને નામંજૂર કરી દીધી છે. હાલ આ મામલો એપેલેટ ઑથોરિટી સમક્ષ પેન્ડિંગ છે. આજે બુધવારે મળેલી AMCની લીગલ કમિટીની બેઠકમાં ચેરમેન પ્રકાશ ગુર્જરે તાત્કાલિક વકીલની નિમણૂક કરી આ કેસનો ઝડપથી નિકાલ લાવવા સૂચના આપી છે, જેથી ડિમોલિશનની કામગીરી શરુ કરી શકાય.
ઓલિમ્પિક વિલેજ માટે ક્લિયરન્સ
રાજ્ય સરકાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 'ઓલિમ્પિક વિલેજ' અને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારી કરી રહી છે. આ સર્વેમાં માત્ર આસારામ આશ્રમ જ નહીં, પરંતુ ભારતીય સેવા સમાજ, સદાશિવ આશ્રમ ઉપરાંત અંદાજે 150 જેટલા રહેણાક મકાનોને પણ નોટિસ આપવામાં આવી છે.
આ પણ વાંચો: બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર
ગમે ત્યારે શરુ થઈ શકે છે ડિમોલિશન
લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે સ્પષ્ટ કર્યું છે કે સ્પોર્ટ્સ સંકુલ ફેઝ-2 ના ડેવલપમેન્ટ માટે આ ગેરકાયદે બાંધકામો હટાવવા અનિવાર્ય છે. એપેલેટ ઑથોરિટીમાં કેસનો નિકાલ આવતાંની સાથે જ વહીવટી તંત્ર દ્વારા વર્ષો જૂના આ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે.


