અમદાવાદ ફાયર વિભાગના સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ, લેખિત પરીક્ષા વિના કરાઈ હતી ભરતી પ્રક્રિયા

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા ફાયર વિભાગમાં જાહેર કરવામાં આવેલી સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીમાં લેખિત પરીક્ષા વગર ફક્ત ઈન્ટરવ્યૂ લેવાના હોવાથી કોંગ્રેસે ભરતીને લઈને વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે, સામાન્ય રીતે ક્લાસ 3-4ની ભરતીમાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ AMC દ્વારા માત્ર ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. વિવાદ થતાં અંતે AMCએ ફાયર વિભાગ હેઠળની સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરાયા છે અને લેખિત પરીક્ષા લેવા સૂચના આપવામાં આવી છે.

સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીના ઈન્ટરવ્યૂ રદ
મળતી માહિતી મુજબ, AMCના ફાયર એન્ડ ઈમરજન્સી ખાતામાં સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવી હતી. ભરતીમાં કુલ 144 અરજી મળી હતી, જેમાંથી 120 ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવ્યા હતા. આ પછી ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા 62 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારોનું વેરિફિકેશન થતાં મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા. સમગ્ર ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષાને સ્થાન ન આપવામાં આવતા આ મામલે કોંગ્રેસ દ્વારા ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, રાજ્ય સરકારના ક્લાસ 3-4 સંવર્ગની તમામ જગ્યાઓની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યૂની જોગવાઈ રદ કરવામાં આવી છે. છતાં AMCએ સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીમાં લેખિત પરીક્ષા લીધા સિવાય માત્ર ઈન્ટરવ્યૂ 2 ડિસેમ્બરના રોજ લેવાના છે, ત્યારે ભરતીમાં ઈન્ટરવ્યૂ રદ કરવા કોંગ્રેસે માગ કરી હતી.

સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયા સરકારના નિયમો હેઠળ કરવામાં આવશે. જો ઉમેદવારોને સીધા બોલાવાશે તો આ પ્રક્રિયા રદ કરવામાં આવશે. આમ ફક્ત ઈન્ટરવ્યૂથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અંતે સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીના ઈન્ટરવ્યૂ રદ કરાયા હોવાનું સામે આવ્યું છે.

