ગીફ્ટના વેપારી પાસેથી 1.44 લાખની લાંચ લેતો AMCનો કર્મચારી ઝડપાયો

Ahmedabad Bribery Case : ગોધરા એસઆરપી ગ્રુપની ધિરાણ સહકારી મંડળીના સભાસદો માટે ખરીદવામાં આવેલી ગીફ્ટ પેટે રૂપિયા 1.44 લાખની લાંચ લેવાના કેસમાં એસીબીએ ગોધરા એસઆરપીના આસીસટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને તેના મળતિયાની ધરપકડ કરી છે. ગોધરા એસઆરપીના કર્મચારીએ કર્મચારી ધિરાણ ગ્રાહક સહકારી મંડળીના સભાસદો માટે ખરીદેલી ગીફ્ટના બિલની ચુકવણી પેટે 30 ટકા કમિશનની રકમ લાંચ પેટે માંગી હતી. આ અંગે એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે.
એએમસીનો કર્મચારી એસઆરપીના જવાનનો મળતિયો હતોઃ ગીફ્ટના બીલ પેટે 30 ટકા કમિશન માગ્યું હતું.
શહેરમાં રહેતા એક વ્યક્તિ ગીફ્ટ આર્ટીકલનો હોલસેલનો વ્યવસાય કરે છે. ગોધરા એસઆરપી કેમ્પમાં આસીસટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા ત્યાં રહેતા રોશન ભુરિયાએ વેપારીનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે તે ગોધરા એસઆરપી ધી કર્મચારી ધીરાણ ગ્રાહક સહકારી મંડળીના મંત્રી છે અને તેમને સભાસદો માટે 670 નંગ ગીફ્ટ આર્ટીકલ ખરીદી કર્યા હતા. જે પેટે રોશન ભુરિયાએ 8.37 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. પરંતુ, ત્યારબાદ કુલ બિલના 30 ટકા લેખે 2.51 લાખની લાંચની માંગણ કરી હતી. આ પૈકી વેપારીએ રોશન ભુરિયાના કહેવાથી 97 હજાર રૂપિયા મુકેશ ડામોર (રહે. સોમનાથ એપાર્ટમેન્ટ, વસ્ત્રાલ)ને આપ્યા હતા. ત્યારબાદ બાકીના 1.44 લાખ રૂપિયા આપવા માટે બુધવારે નક્કી કરાતા વેપારીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે નહેરૂબ્રીજ નેપ્ચ્યુન ટાવરમાં ફરીયાદીની ઓફિસમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં રોશન ભુરિયાના કહેવાથી મુકેશ ડામોરે 1.44 લાખની રોકડ સ્વીકારી હતી. આ અંગે એસીબીએ મુકેશ ડામોરની તેમજ ગોધરાથી રોશન ભુરિયાની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મુકેશ ડામોર અમદાવાદની પૂર્વ ઝોન કચેરીમાં સોલિડ વેસ્ટ કલેક્શન વિભાગમાં કોન્ટ્રાક્ટ પર સુપરવાઇઝર તરીકે કામ કરે છે.

