'મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા..', અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે અમદાવાદમાં ઉમેદવારોને મેદાનમાંથી હટાવવા માટે લાલચ અને દબાણનું રાજકારણ ગરમાયું છે. હાલમાં રામોલ હાથીજણ વૉર્ડથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બીનાબહેન મોદીએ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર મૌલિક પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે.
મૌલિક પટેલ પર નામજોગ આરોપ
બીનાબહેનના જણાવ્યા અનુસાર, તેમને ચૂંટણીમાંથી ખસી જવા અને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે 25 લાખ રૂપિયાની મોટી રકમની ઓફર કરવામાં આવી રહી છે. જો કે આ તમામ આર્થિક પ્રલોભનો અને દબાણને ફગાવીને બીનાબહેને સ્પષ્ટ કર્યું છે કે તેમની લડાઈ પૈસા માટે નહીં, પરંતુ પ્રજાના હિત અને સેવાનો ઉદ્દેશ્ય પૂરો કરવા માટે છે, અને તેઓ પોતાના નિર્ણય પર મક્કમ રહેશે. મહત્ત્વનું છે કે, બીનાબહેન મોદીના આ આરોપ અંગે ભાજપના ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલને પૂછવા ફોન કર્યા હતા, પણ તેમણે કોઈ જવાબ આપ્યા ન હતા.
'મને 25 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી', કોંગ્રેસ ઉમેદવારનો દાવો
બીનાબહેન મોદીએ જણાવ્યું કે, મેં ગત 11 તારીખે કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, ત્યારથી જ મારા અંગત લોકો દ્વારા મને ફોર્મ પાછું ખેંચવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. તેઓ મને લાલચ આપી રહ્યા છે કે તમે ફોર્મ પાછું લઈ લો, તમારે જેટલી રકમ જોઈતી હશે એટલી અમે આપી દઈશું. ગઈકાલે તો આખો દિવસ ફોન ચાલુ રહ્યા અને મારા ઓળખીતા લોકોને મારા ઘરે મોકલવાનું પણ ચાલુ રાખ્યું હતું. જ્યારે મેં તપાસ કરી તો ખબર પડી કે ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર મૌલિક પટેલે પોતે મને ફોન કર્યો હતો. જ્યારે ફોર્મ ચેકિંગની પ્રક્રિયા ચાલતી હતી, ત્યારે મને 25 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી કે હું ત્યાં ન જાઉં અને મારું ફોર્મ પાછું ખેંચી લઉં.
'મારે પૈસા બનાવવાના કાર્યો નથી કરવા'
તમને વધુમાં જણાવ્યું કે, 'હું પહેલાથી જ કોંગ્રેસ સાથે જોડાયેલી છું અને ક્યારેય ભાજપમાં ન હતી. મને અત્યારે કોઈ ધમકી નથી આપવામાં આવી રહી, પણ વારંવાર પૈસાની લાલચ આપીને મને ચૂંટણીમાંથી બેસાડી દેવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ હું મારું ફોર્મ બિલકુલ પાછું નહીં ખેંચું, કારણ કે મેં આ ફોર્મ કંઈ પૈસા માટે નથી ભર્યું, હું પ્રજા માટે લડી રહી છું. મારો ઉદ્દેશ્ય જીતીને પણ પ્રજાના જ કાર્યો કરવાનો છે, મારે પૈસા બનાવવાના કાર્યો નથી કરવા. આમ, ગમે તેટલી લાલચ આપવામાં આવે તો પણ હું મારા નિર્ણય પર મક્કમ છું.'
'ન રહેશે વાંસ, ન વાગશે વાંસળી'!
ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં આવી અનેક ઘટનાઓ બની છે જેમાં વિરોધ પક્ષના ઉમેદવારોને પૈસાની લાલચ કે ધાક ધમકી આપી બેસાડી દેવાના આરોપ લાગ્યા છે. એક તરફ આવી ઘટનાઓ રાજકારણના નામે ખપાવી દેવામાં આવે છે. બીજી તરફ સ્થાનિક ચૂંટણી સીધી લોકોના પ્રશ્નોને ઉજાગર કરતી હોય છે, મતદાર પોતાનું હિત જોઈને મત આપતા હોય છે તેવામાં આ પ્રકારની ઘટના મતદાતાઓ પાસેથી વોટનો અધિકાર આડકતરી રીતે છીનવી રહી છે. હાલ ચૂંટણીમાં એવું સ્પષ્ટ દેખાય રહ્યું છે કે સત્તાધારી પક્ષનો એવો પ્રયાસ છે કે 'ન રહેશે વાંસ, ન વાગશે વાંસળી'









